Site icon Revoi.in

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત, કેસની સંખ્યા 236 અને મૃત્યુઆંક 4 પર પહોંચ્યો,

Social Share

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રાગચાળો વકરતા શહેરના 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. નગરપાલિકા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર ઘેર ફરીને સર્વે હાથ ધર્યો છે. તેમજ ખાણી-પીણીની દુકાનો, લારીઓ બંધ કરાવી દીધી છે. અત્યાર સુધીમાં ઝાડા-ઊલટી, કોલેરાના 236 કેસ નોંધાયા છે. તેમજ વધુ એક મહિલાનું મોત નિપજતા મૃત્યુઆંક 4 પર  પહોંચ્યો છે.

પાલનપુર શહેરના કોટ વિસ્તારમાં ખાસદાર ફળીમાં ઝાડા ઊલટીથી વધુ એક મહિલાનું મોત થયું હતુ. ઝાડા ઊલટી દરમિયાન બ્રેઇન હેમરેજથી મોત થયાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. દરમિયાન ગઈકાલે મંગળવારે આ વિસ્તારમાં વધુ બે ઝાડા ઊલટીના કેસ નોંધાયા હતા. જેની સાથે કુલ ઝાડા ઊલટીના કેસની સંખ્યા 236 થઇ છે. જે પૈકી 10 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત નીપજ્યા છે.

પાલનપુર શહેરના  કોટ વિસ્તારમાં ખાસદાર ફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરાવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હીગેટ, પથ્થર સડક, અંબરકુવા, જૂનો અંબબકુવો, ઝાંઝર સોસાયટીની આજુબાજુનો બે કિલોમીટરના વિસ્તારને કોલેરા મુકત બનાવવા માટે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં ઝાડા ઊલટીથી વધુ એક મહિલાનું મોત થયું હતુ. સ્થાનિક રહિશ અને બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન સાજીદભાઇ મકરાણીએ જણાવ્યુ હતુ કે, ખાસદાર ફળીમાં રહેતા મેહરાજબાનુ ફારૂકભાઇ વાઘેલા ( ઉ.વ.45)ને ઝાડા ઊલટી જતાં પાલનપુર સિવિલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાંથી ઘરે લાવ્યા બાદ મોત થયું હતુ. બીજી બાજુ આરોગ્ય વિભાગની 20 ટીમો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં દરરોજ સર્વે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ઝાડા ઊલટીના કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો હોવાનો આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.