પાલનપુરઃ શહેરમાં ટ્રક ડ્રાઈવરની બેદરકારીને કારણે ટ્રકમાં આગ ફાટી નિકળી હતી. પાલનપુર-ડીસા હાઈવે પર લાકડાં ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વીજળીનો વાયર ટ્રકમાં ભરેલા લાકડાં સાથે અથડાયો હતો. તેના લીધે લાકડાંમાં આગ લાગી હતી. જોતજોતામાં ટ્રકમાં લાકડાં સહિત માલ-સામાન ભસ્મીભૂત બન્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ડીસા હાઇવે પર જલારામ મંદિર નજીક એક ટ્રકમાં વીજ લાઈનના તાર અડવાથી અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પાણીની મારો ચલાવી આગ બુજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. ટ્રકના ઉપરના ભાગે વીજ લાઈનના તાર અડકી જતા ટ્રકમાં ભરેલા લાકડાના વોસ અને મોજાળીમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળાં એકઠા થતા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ કાબુમાં ન આવતા ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા ટ્રકમાં ભરેલો સરસામાન બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થયુ હતુ.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વાહનમાં આગ લાગવાનો બીજો બનાવ ડીસામાં બન્યો હતો જેમાં ડીસામાં લેખરાજ ચાર રસ્તા પાસે આવેલા જુના શાક માર્કેટમાં અચાનક ચાલુ બાઈકમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ભરબજાર વચ્ચે ભીડભાડ વાળી જગ્યામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. બાઈકમાં આગ લાગી હોવાની જાણ થતા જ આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો લગાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોત જોતામાં આ આગમાં બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું.