પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં નાના દુકાનદારો પાસેથી ચિજ-વસ્તુઓ ખરીદીને નકલી નોટો પધરાવતા ચાર શખસને પકડી પાડવામાં આવ્યા છે. પાલનપુર પોલીસે ઉત્તર પ્રદેશના મેરઠથી નકલી નોટો વટાવવા આવેલા ચાર શખસોને શહેરની ક્ષુધાશાંતી લોજના રૂમમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.100 દરની 457 નકલી નોટો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના મેરઠથી કેટલાક શખસ પાલનપુરમાં નકલી નોટો વટાવવા આવ્યા હોવાની પાલનપુર પૂર્વ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી. જેને લઇ પૂર્વ પોલીસ દ્વારા આ શખસોને પકડવા માટે ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે પોલીસે બાતમીના આધારે પાલનપુરના રેલવેસ્ટેશન વિસ્તારમાં આવેલી ક્ષુધાશાંતિ લોજના રૂમમાંથી ચાર શખસોને રૂ.100ના દરની 457 નકલી નોટો સાથે ઝડપી લીધા હતા. આ શખસો શહેરની નાની-નાની દુકાનોમાં જઇ રૂ.10 ની વસ્તુ લઇ તેની સામે રૂ.90 પરત લઇ લેતા હતા. આ રીતે આ શખસો પાલનપુરમાં નકલી નોટો વટાવતા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસે રૂ. 100 ના દરની નકલી નોટો હતી. જેમાં ચાર જ સીરીઝની આ નકલી નોટો હતી. આમ એક જ સીરીઝની વધારે પડતી નોટો હોવાથી તે નોટ નકલી હોવાનો પોલીસને ખ્યાલ આવ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી 45700 રૂપિયાની 100 રૂપિયાના દરની 457 નકલી નોટો, ચાર મોબાઇલ (કિંમત રૂ. 6000) તેમજ રોકડ રૂપિયા 3750 મળી કુલ રૂ. 9750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આ શખસો કેવી રીતે નકલી નોટો બનાવતાં, અત્યાર સુધીમાં પાલનપુર સહિત અન્ય વિસ્તારમાં કેટલા રૂપિયાની નકલી નોટો વાપરી તે સિવાય તેમની ગેંગમાં અન્ય કેટલાક લોકો સામેલ છે તે સહિતની વધુ તપાસ પોલીસ કરી રહી છે.
પાલનપુર પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, નકલી નોટ્સ સાથે પકડાયેલા આરોપીઓમાં મહંમદસમીર મહંમદનસીમ મહંમદકરાર સૈયદ (રહે.નાસીરગલી નં.4, મદીના કોલોની અબુબકર મસ્જીદ પાસે, લીસાડી રોડ, મેરઠ શહેર, જી.મેરઠ (યુ.પી.), મહંમદઆતીફ મહંમદનસી મહંમદકરાર સૈયદ (ઉં.વ.20) (રહે.નાસીરગલી નં.4, મદીના કોલોની અબુબકર મસ્જીદ પાસે, લીસાડી રોડ, મેરઠ શહેર, જી.મેરઠ(યુ.પી.) તેમજ અબ્દુલકરીમ ઉર્ફે બિલાલખાન મહમંદતોહીદ પઠાણ (રહે.ગલી નં-5, શ્યામનગર રોડ, ગોલ્ડન ઇદગાહ કોલોની, મેરઠ શહેર,જી.મેરઠ (યુ.પી.) અને મહંમદઇ જીંમામ મહંમદરજી સૈયદ (રહે.લોઇયા,તા.સરદના,જી.મેરઠ (યુ.પી.)નો સમાવેશ થાય છે.