પાલનપુરમાં ટ્રાફિક જમાદાર અને ટોઈંગમેન રૂપિયા 300ની લાંચ લેતા પકડાયા
પાલનપુરઃ ગુજરાતમાં પોલીસ અને રેવન્યુ વિભાગમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા કર્મચારીઓને પકડવા માટે ઝાળ બિછાવવામાં આવી રહી છે. દરમિયાન પાલનપુરમાં રોડ પર પાર્ક કરેલા વાહનોને ટોઈંગ ન કરીને વાહનચાલક પાસેથી લાંચ લેતા ટ્રાફિક જમાદાર (હેડ કોન્સ્ટેબલ) તેમજ ટોઈંગમેનને રૂપિયા 300ની લાંચ લેતા એસીબીએ પકડી પાડતા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બાઈકને ટોઈંગ કરી નિયમ મુજબ દંડની વસૂલાત કર્યા વગર ફરજ પરના કર્મચારીઓ રોકડ રકમ લઈ પતાવટ કરતા હોવાનું એસીબીના ધ્યાન પર આવ્યું હતું. આ મામલે એસીબી દ્વારા સોમવારે છટકાનું આયોજન કરી સીટી ટ્રાફિક ટોઈંગ ઈન્ચાર્જ અને ટોઈંગ રોજમદારને ડિકોયર પાસેથી રૂપિયા 300 રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા.
બનાસકાંઠા એ.સી.બી. ને માહિતી મળી હતી કે, પાલનપુર શહેરમાં અડચણરૂપ વાહનો ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ કરી પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર રૂપિયા 100/- થી 1000/- સુધીના લાંચના નાણા લઈ વાહન છોડી મૂકતા હોય છે. જે હકીકતની ખરાઈ કરવા ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા ડિકોયર પાસેથી બાઈક છોડવાના અવેજ પેટે રૂપિયા 300/- ની લાંચ લેવા મામલે સીટી ટ્રાફિક ટોઇંગ ઇન્ચાર્જ હેડ કોસ્ટેબલ દિલીપભાઈ સોલંકી અને ટોઇંગ રોજમદાર નારણભાઈ પરમારને એસીબીએ ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંને આરોપીઓને ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.