પાલનપુરમાં મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલ્યું તો અંદર ચાર સાપ છૂપાઈને બેઠા હતા
પાલનપુરઃ શહેરમાં રાધે રેસિડન્સીમાં એક મહિલાએ કપડા ધોવા વોશિંગ મશીન ખોલતા જ તે ડઘાઈ ગઈ હતી. વોશિંગ મશીનમાં એક-બે નહિ, ચાર સાપ નજરે પડ્યા હતા સાપોનો ગુચ્છો જોઈ મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારે સાપ પકનારાઓનો સંપર્ક કરીને તાત્કાલિક સાપને વોશિંગ મશીનમાંથી બહાર કઢાયા હતા.
પાલનપુર શહેરના પારપડા રોડ પર રાધે રેસિડન્સી આવેલી છે. રાધે રેસિડન્સીમાં રહેતા હરેશભાઇના મકાનની ગેલેરી પાછળના ભાગમાં આવેલી છે. જ્યાં તેઓ સામાન મૂકે છે. અહી તેમનુ કપડા ધોવાનુ વોશિંગ મશીન પણ પડેલુ હોય છે. તેમના પત્ની દક્ષાબેને કપડા ધોવા માટે વોશિંગ મશીનનું ઢાંકણું ખોલ્યું હતું. ત્યારે એક નાનો સાપ મશીનમાં નજરે પડ્યો હતો. આ જોઈને દક્ષાબેન ગભરાઈ ગયા હતા. જેથી દક્ષાબહેને તાત્કાલિક મશીન બંધ કરી પરિવારના સભ્યોને તેની જાણ કરી હતી.
સાપની વાતથી જ પરિવારના સભ્યો તેમજ આજુ બાજુથી લોકો દોડી આવ્યા હતા અને સાપ પકડવા માટેના એક્સપર્ટસનો સંપર્ક કરાયો હતો. સાપ પકડવાના એક્સપર્ટ રઘુભાઇને જાણ કરતા રઘુભાઇ રાધે રેસિડન્સી ખાતે આવ્યા હતા. મશીનને બહાર કાઢી મશીનના એક એક પાર્ટ ખોલતા મશીનની જુદી-જુદી જગ્યા પરથી બે નાના અને બે મોટા સાપ નીકળ્યા હતા. ચાર સાપ જોઈ પરિવાર તથા આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. સાપ પકડનાર યુવકે બે મોટા અને બે નાના સાપ વોશિંગ મશીનમાંથી બહાર કાઢ્યા હતા.
મકાનની પાછળના ભાગે ખેતર હોવાના કારણે આ સાપ વોશિંગ મશીનમાં આવી ચઢ્યા હતા. રાધે રેસિડન્સિમાં રહેતા રાજુભાઇના મકાન પાછળ ખેતર હોવાના કારણે ખેતરમાંથી સાપ મશીનમાં આવી ગયા હતા. પરંતુ આવી રીતે એકસાથે ચાર સાપ નીકળે એ વિચારથી જ લોકોમાં ડર પેસી ગયો હતો. ચારેય સાપને પકડી સુરક્ષીત જગ્યા પર છોડી મુકવામાં આવ્યા હતા.