પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો કૃષિ ક્ષેત્રે એક સમયે પછાત ગણાતો હતો, પણ નર્મદા કેનાલ દ્વારા કેટલાક વિસ્તારોમાં સિંચાઈનો લાભ મળતા તેમજ ગત ચોમાસામાં સારા વરસાદને કારણે બોર-કૂવામાંથી સિંચાઈ માટેનું પાણી મળી રહેતા આ વખતે રવિ સીઝનમાં ખેડુતોને એકંદરે સારૂએવું કૃષિપાક ઉત્પાદન મેળવ્યું હતું. હાલ પાલનપુરના માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ઈસબગુલ, એરંડા અને વરિયાળી સહિતના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં વરિયાળીના મણના 5650નો ભાવ બોલાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરી, સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે. ત્યારે બુધવારે 24 એપ્રિલના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉં, બાજરી, ચણા, એરંડા, રાયડો, વરિયાળી, ઇસબગુલ, મકાઈ, રાજગરો જેવા પાકની આવક નોંધાઇ હતી.
પાલનપુર માર્કેટ યાર્ડમાં બુધવારે ઘઉંની 1,458 બોરીની આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિ 20 કિલોના 564 રૂપિયાનો ભાવ બોલાયો હતો. તેમજ બાજરીની 16 બોરીની આવક નોંધાઇ હતી, જેમાં પ્રતિ 20 કિલોના 465 રૂપિયાનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત ચણાની 29 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 1291 રૂપિયાનો ભાવ બોલાયો હતો. માર્કેટ યાર્ડમાં એરંડાની 3,785 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 1131 રૂપિયાનો ભાવ બોલાયો હતો.
આ ઉપરાંત પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડાની 765 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 1016 રૂપિયાનો ભાવ બોલાયો હતો. તેમજ વરિયાળીની 315 બોરીની આવક નોંધાઇ જેમાં પ્રતિ 20 કિલોના 5,650 રૂપિયાનો ભાવ બોલાયો હતો. તથા ઇસબગુલની 10 બોરીની આવક નોંધાઇ પ્રતિ 20 કિલોના 2125 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ખેડુતોને એકંદરે સારા ભાવ મળતા રાહત થઈ હતી.