Site icon Revoi.in

પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં અસહ્ય ગરમીના ટાણે વીજ ધાંધીયાથી લોકો પરેશાન

Social Share

પાલિતાણાઃ ગોહિલવાડ પંથકમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે. ત્યારે પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં વીજળીના ધાંધિયાને લીધે અસહ્ય ગરમીમાં લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. ભર બપોરે વીજળી પુરવઠો ખોરવાતા લોકો પંખા પણ ચાલુ રાખી શકતા નથી. પીજીવીસીએલ તંત્રએ છેલ્લા એક માસથી પાલિતાણાની પ્રજાને જાણે કે બાનમાં લીધું હોય તેમ દરરોજ ગમે તે સમયે કોઈપણ જાતની જાણ વગર જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠા ખોરવાઈ જાય છે. આ કાળઝાળ ગરમીમાં પાલિતાણાની જનતા હેરાન પરેશાન થઇ ગઇ છે, ત્યારે આ અંગે ફરિયાદ કરવા છતાંયે પીજીવીસીએલના અધિકારીઓ સાંભળતા નથી.

ભાવનગર જિલ્લામાં વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જાતો હયો છે. જેમાં જિલ્લાના પાલિતાણા અને ગારિયાધાર તાલુકામાં તો વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકો અસહ્ય ગરમીમાં ત્રાહીમામ પોકારી ગયા છે. બે દિવસ પહેલા સવારના સમગ્ર શહેરમાં ચાર કલાક જેટલો વીજ પુરવઠો ખોરવાયો હતો. તેમજ સાંજના સમયે સ્ટેશન રોડ, મેઈન બજાર, નગરપાલિકા વિસ્તાર, નવાગઢ વિસ્તાર તમામ જગ્યાએ વીજ પુરવઠો બંધ રહ્યો હતો. જ્યારે રાત્રિના ટી.કે.નગર ફીડરમાં આવતા બદાવડાવાડી વિસ્તારોમાં વીજ પુરવઠો સતત આવન જાવન કરતો હતો. ફોલ્ટ ઓફિસે અડધી રાત્રે ત્રણ ત્રણ વાર જાણ કરવા છતાં ફોલ્ટ મરામત કરાયો નહતો. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

આ ઉપરાંત ગારિયાધાર શહેરમાં વીજળીનાં ધાંધિયાથી લોકો પરેશાન થઇ ગયાં છે. ગારિયાધાર વીજતંત્ર દ્ધારા દિવસ દરમિયાન બે થી ત્રણ વખત વીજ પુરવઠો ખોરવાતા લોકો ગરમીમાં અકળાયા હતા. ગારિયાધાર વીજતંત્રની નબળી કામગીરીને લીધે દિવસમાં કયારે લાઇટ જતી રહે તે જ નક્કી નહિ જેથી શહેરીજનોને તકલીફ પડી રહી છે.ગારિયાધાર વીજતંત્ર દ્ધારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે. વીજતંત્ર દ્ધારા ગમે ત્યારે વીજકાપ આપી દેતા હોવાથી તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. વીજળીનાં ઝટકાથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયાં છે. હાલ ઉનાળાની સિઝનમાં વિદ્યુત વપરાશ વધુ રહે છે. જે ફીડરમાં 50 થી 60 જેટલો નોર્મલ લોડ હોય છે જ્યારે અત્યારે 150 જેટલો લોડ ચાલે છે. ગરમીના કારણે અંડર ગ્રાઉન્ડ કેબલ ફાયર થઈ રહ્યા છે. ઉનાળામાં એસીનો વપરાશ વધ્યો છે પરંતુ ગ્રાહકો લોડ વધારો માગતા નથી. જો ગ્રાહકો લોડ વધારો માંગે તો વધારે લોડ માટેના સાધનો મૂકી શકાય.