પાલિતાણાઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ટૂરિઝમ કોર્પોરેશનને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. ટુરિઝમ વિભાગ દ્વારા પ્રવાસીઓને માટે જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન પાલિતાણામાં કરોડોના ખર્ચે ભવ્ય કહી શકાય તેવી ‘ હોટલ સુમેરૂ’ બનાવવામાં આવી હતી. જો કે, કોરોના નામે બંધ કરવામાં આવેલી આ હોટલ ત્રણ વર્ષ પછી પણ શરૂ કરવામાં આવતી ન હોવાના કારણે પાલિતાણા આવતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કહેવાય છે. કે, ટુરીઝમ ખાતાની હોટલ પર કેટલાકનો ડોળો છે. હોટલ બંધ થાય તેમાં કેટલાક વગદાર લોકો પણ રસ લઇ રહ્યાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે, કારણકે, તેમને હોટલના સંચાલનમાં રસ છે,
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પાલિતાણામાં ટુરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત પાલિતાણાની સુમેરૂ હોટલ કેમ બંધ કરવામાં આવી છે. કરોડોના ખર્ચે બનેલી હોટલ હાલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. હોટલ હજી સુધી શરૂ ન થતાં આ બાબતે ભારે ચર્ચાનો વિષય બની છે. એક ચર્ચા એવી પણ છે કે, કેટલાક નેતાઓને જ હોટલ શરૂ થાય તેમાં રસ નથી, કહેવાય છે. હોટલ ખાનગી સંચાલકને સોંપવામાં આવે તેવી શક્યતા છે. હોટલ સુમેરૂમાં 20 રૂમો છે અને જ્યારે આ હોટલ શરૂ હતી તે સમયે યાત્રીકો પાસે નોમીનલ ભાડુ લેવામાં આવતું હોવાના કારણે પ્રવાસીઓ હોટલમાં રોકાવનું વધુ પસંદ કરતા હતા. જો કે, કોરોનામાં હોટલ બંધ થયા બાદ હોટલમાં જે કર્મચારીઓ નોકરી કરતા હતા તે તમામ કર્માચારીઓની પણ સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોની હોટલોમાં બદલી કરી નાખવામાં આવી છે.