Site icon Revoi.in

રાજકોટની ભાગોળે દીપડો વન વિભાગને હંફાવી રહ્યો છે, પાંજરા મુકાયા છતાં પકડાતો નથી

Social Share

રાજકોટઃ રાજકોટ શહેરની નજીક આવેલા વાગુદડ, કણકોટ, મુંજકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડાના આંટાફેરાથી લોકો ભય અનુભવી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ઠેર ઠેર પાંજરા મુકવામાં આવ્યા છે. પણ દીપડો પાંજરે પુરાતો નથી. વન વિભાગને દીપડાંના સગડ પણ મળ્યા છે. પણ ચબરાક દીપડો પકડાતો નથી.

રાજકોટ શહેરના સીમાડા વિસ્તારમાં એક સપ્તાહથી દીપડાંના આંટાફેરાની ચર્ચા ચાલી રહી છે. તેમાં પણ છેલ્લા ચાર દિવસથી શહેરી વિસ્તાર નજીક દીપડો આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ નજીક વાગુદડ નજીક દીપડાને ગ્રામ લોકોએ જોયો હોવાની માહિતી બાદ વન વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. ત્યારબાદ શહેરની ભાગોળે આવેલા મુંજકા અને કણકોટ નજીક  દીપડો દેખાયો હોવાની માહિતી ગ્રામજનો દ્વારા વન વિભાગને આપવામાં આવતા બન્ને વિસ્તારમાં સર્ચ શરૂ કરી બંને જગ્યાએ પાંજરાં મૂકી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન કણકોટમાં  દીપડાએ પાલતુ સ્વાનનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર નજીક મુંજકા, યુનિવર્સિટી વિસ્તાર અને કણકોટ વિસ્તારમાં દીપડાના સર્ચ કરતા સગડ મળી આવ્યા હતા. વાગુદડ બાદ કણકોટ અને મુંજકા એમ બે જગ્યાએ દીપડો દેખાયાની માહિતી વનવિભાગને આપવામાં આવતા વનવિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી સર્ચ કરવામાં આવી રહ્યું છે. હાલમાં દીપડાને પકડવા માટે કુલ 3 જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે. હજુ વધુ 3 જગ્યાએ પાંજરા મુકવામાં આવશે. કણકોટ ગામ ખાતે દીપડાએ એક શ્વાનનું મારણ કર્યું હતુ. લોકોને અફવામાં ધ્યાન ન આપવા અને પેનીક ન થવા અપીલ કરવામાં આવી રહી છે.