પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય નહીં કરી શકે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ પાલિકાએ વેક્સિન નહીં તો વેપાર નહીંની નવી ફોર્મ્યુલા અપનાવી છે. જે અંતર્ગત પાલિકાએ 15 અને 16 એપ્રિલના 45 વર્ષથી વધુ વયના તમામ વેપારીઓને વેક્સિન લઈ લેવા સૂચના આપી છે. 17 એપ્રિલથી જે વેપારીએ વેક્સિન નહીં મૂકાવી હોય તેને વેપાર નહીં કરવા દેવાનો નિર્ણય લેવાયો છે. 17 એપ્રિલથી પાલિકાની ટીમ વેપારીઓની દુકાને તપાસ કરશે. પાલિકા ટીમ સમક્ષ વેપારીઓએ વેક્સિન લીધાનો પુરાવો આપવો પડશે. કરિયાણા, શાકભાજી, મેડિકલ સંચાલક, દૂધના ડેરી સંચાલક, પાન ગલ્લા ધારક, ટી- સ્ટોલ ધારકો , હોટલ, ધાબા રેસ્ટોરંટના સંચાલકો સહિતના વેપારીઓ સુપરસ્પ્રેડર સાબિત ન થાય તે માટે આ નિર્ણય કર્યો છે.
પાટણમાં હજુ સુધી 2 હજાર વેપારીઓએ વેક્સિન લીધી છે. જોકે પાલિકાએ વેક્સિન ફરજીયાત બનાવતા પ્રથમ દિવસે જ બે હજાર જેટલા વેપારીઓ વેક્સિન લેવા પહોંચ્યા હતાં. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.