પાટણઃ રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ માઝા મુકી છે. અસહ્ય ગરમીથી લોલો ત્રાહીમામ પોકારી ગયા છે. અસહ્ય ગરમીમાં બે દિવસ પહેલા અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જ્યારે ગઈકાલે પાટણ જિલ્લામાં ભારે વૈશાખી વાયરા વચ્ચે વાદળછાંયો માહોલ સર્જાયો હતો. ચાણસ્મામાં વાવાઝોડું આવતાં માર્કેટયાર્ડમાં દુકાનોના પતરા અને શેડ ઉડ્યા હતા. વંટોળિયા સાથે ભારે પવન ફુંકાયો હતો.
ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. જેમાં ચાણસ્મા સહિત આજુબાજુના વિસ્તારોમાં તો વૈશાખી વંટોળિયો ફુંકાતા ચાણસ્મા માર્કેટ યાર્ડ સહિત અનેક દુકાનો મકાનોના પતરાના છાપરા ઉડ્યા હતા. ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યા બાદ ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મામાં બપોરના સમયે વાવાઝોડુ ફુંકાતા માર્કેટયાર્ડની દુકાનોના પતરા અને શેડ ઉડ્યાં હતા.શેડ ઉડવાના સીસીટીવીના કૂટેજો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે, સદનસીબે આજુ બાજુ કોઇ ન હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે વાતાવરણમાં થોડો પલટો આવતા ગરમીમાં પણ થોડી રાહત મળી હતી. ભારે પવનને લીધે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટણ વિસ્તારમાં પણ ભારે પવન ફુંકાયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે. જેમાં ઘણા સ્થળોએ તો લગ્નના મંડપ પણ ઊડ્યા હતા. કેટલાક ગાંમડાંઓમાં તો ધૂળની ડમરીઓ ઉડતા આજુબાજુ કંઈ દેખાતું પણ નહતુ. જોકે વૈશાખી વંટોળને લીધે ગરમીમાં થોડો ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી.