પાટણઃ ઐતિહાસિક ધરોહર ધરાવતો પાટણ જિલ્લો આમ તો સુકો વિસ્તાર ગણાય છે. ઉનાળામાં પીવાના પાણીની અને સિંચાઈના પાણીની કેટલાક ગામોમાં સમસ્યા સર્જાતી હોય છે. પાણીના તળ પણ ઊંડા ઉતરી રહ્યા છે. ત્યારે જિલ્લાના 145 તળાવો ઊંડા ઉતારીને તેમજ 68 જેટલા ચેકડેમો મરામત કરીને ચોમાસામાં પાણીનો સારો એવો સંગ્રહ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલ સુજલામ સુફલામ યોજનામાં તળાવોને ઊંડા કરવાની કામગીરી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પૂરજોશે ચાલી રહી છે. પાટણમાં સિંચાઈ વિભાગ દ્વારા હાલમાં કુલ 145 જેટલા તળાવોનું કામકાજ ચાલી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં સિંચાઈ વિભાગ દ્વારા નદીની સાફ સફાઈ કરવી, કાંસ સફાઈ, ચેકડેમ રીપેરીંગ અને અન્ય કામો ચાલી રહ્યા છે. સરસ્વતિ નદીમાંથી ઝાડી-ઝંખરા કાઢીને તેની સાફ સફાઈ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે. વધુમાં કુલ 68 જેટલાં ચેકડેમ રીપેરિંગ કરવાનું કામ ચાલી રહયું છે. તો 145 જેટલાં તળાવો ઊંડા કરવાની કામગીરી પણ ચાલી રહી છે. કુલ 578 કામો પૈકી 325 કામ વિભાગીય છે. જેમાં મુખ્યત્વે મનરેગાના કામો, ચેકડેમ રિપેરિંગ, કાંસ સાફ સફાઇ, નદીની સાફ સફાઇ અને પીવાના પાણીના સ્ત્રોતની સાફ સફાઇનો સમાવેશ થાય છે. તેમજ લોકભાગીદારીથી કરવાના કામોમાં ચેકડેમ ડિસીલ્ટીંગ અને તળાવો ઉંડા કરવાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાનું વહિવટી તંત્ર ખૂબ પ્રયત્ન કરી રહયું છે, કે ચોમાસું પહેલા આ તમામ કાર્યો પુર્ણ થઈ જાય. તેથી મનરેગા તથા જળસંપત્તિ વિભાગ(પંચાયત અને રાજ્ય સિંચાઇ) દ્વારા 227 જેટલા તળાવો ઉંડા કરવામાં આવશે. જેમાં 38.86 લાખ ઘનમિટર જેટલી માટીના જથ્થાનું ખોદકામ થશે. જેથી, આ તળાવોની સંગ્રહ શક્તિમાં અંદાજીત 70000 એમ.સી.એફ.ટી. જેટલો વધારો થશે. જિલ્લા વહીવટી તંત્રના લક્ષ્ય પ્રમાણે વરસાદ પહેલા સુજલામ સુફલામ યોજના થકી ચાલતા તમામ કામ પૂર્ણ કરવામાં આવશે.
સુજલામ સુફલામ યોજના અંગે પાટણ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ડી.એમ સોલંકીએ જણાવ્યું કે, અમારું લક્ષ્ય છે કે ચોમાસું શરૂ થાય એ પહેલા તળાવો ઊંડા કરવાની જે કામગીરી છે તેને પૂર્ણ કરી દેવામાં આવે. જેથી વરસાદ આવે ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય. વરસાદી પાણીના સંગ્રહ થકી સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર કરી શકાશે. જેથી સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા જળ સંચયના કામ પૂર્ણ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.