Site icon Revoi.in

પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે પવન ફંકાયો, વીજળીથી બેના મોત, અનેક વૃક્ષો ધરાશાયી

Social Share

પાટણઃ  જિલ્લાના પાટણ સહિત ચાણસ્મા, સરસ્વતી, હારિજ અને રાધનપુર તુકામાં મેઘરાજાની કૃપા થતાં ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે. જિલ્લામાં શુક્રાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ મેઘરાજાએ  ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે ગાજવીજ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. વીજળી પડવાથી હારીજ તાલુકામાં એક મજૂરનું મોત થવા પામ્યું હતુ, તેમજ સરસ્વતી તાલુકામાં વીજ કરંટ લાગવાથી એકનું મોત થયું હતું. જ્યારે ચારથી વધુ પશુઓના અલગ અલગ વિસ્તારોમાં મોત થવા પામ્યા હતા ચાણસ્મા પંથકમાં ભારે પવનના કારણે રસ્તાઓ ઉપર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના હારીજ તાલુકાના જશોમાવ ગામ ખાતે ઈંટોના ભઠ્ઠાના મજૂરો ઉપર વીજળી પડતા એક પરપ્રાંતના શ્રમિકનું મોત નિપજ્યુ હતું.. તેમજ બે શ્રમિકોને ઇજાઓ પહોંચી છે. સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે લાકડાના લાટીના માલિક પ્રવીણ ભેમાંભાઈ સુથાર દુકાનનું શટર ખોલતા હતા, ત્યારે વીજ કરંટ લાગતા મોત થયું હતું. આ ઉપરાંત પાટણ જિલ્લામાં અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડવાથી ચાર જેટલા પશુઓના મોત થયા છે. હારીજ શહેરમાં પણ વીજ થાંભલો પડવાથી બે આંખલાઓ મોતને ભેટ્યા હતા.

પાટણ શહેરમાં વરસાદ પડતાં કોલેજ રોડના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. એક સ્કૂલ રિક્ષા ગરનાળા ફસાઈ હતી. આમ ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ રેલવે ફાટક ફરીને સ્કૂલે જવું પડ્યું હતું. તો ગરનાળા પાણી ભરવાના કારણે રેલવે ફાટક રોડ ઉપર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત પાટણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવતા રાહદારીઓ સહિત વાહન ચાલકોની મુશ્કેલી વધવા પામી છે.નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સુનની કામગીરી સદંતર નિષ્ફળ નીવડી હોવાનો ચોમાસાની શરૂઆતમાં જ શહેરીજનો અહેસાસ કરી રહ્યા છે.