Site icon Revoi.in

પાટડીના ધામા વિસ્તારમાં નર્મદાની પેટા કેનાલ લીકેજ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના ધામા વિસ્તારની નર્મદાની બ્રાન્ચ કેનાલ લીકેજ થતાં પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો મુશકેલીમાં મુકાયા છે. ધામામાં કેનાલમાં શેવાળના કારણે કેનાલના લીકેજ પાણી ખેતરોમાં ફરી વળતા  જીરાના પાક સહિતનો પાક નાશ પામ્યો છે. ખેડૂતોનો મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

રાજ્યમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. જેમાં સુક્કોભઠ્ઠ ગણાતો પાટડી તાલુકો નર્મદાના નીરથી નંદનવન સમો બની ગયો છે. નર્મદા કેનાલનું પાણી સુકાભઠ્ઠ રણકાંઠાના 89 ગામોમાંથી 87 ગામો સુધી પહોંચતાં રણકાંઠા વિસ્તારમાં હરિયાળી ક્રાંતિની પરિકલ્પના સાકાર થઇ છે. પરંતુ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે નર્મદાની કેનાલો અવાર-નવાર લીકેજ થતી હોવાથી ખેડુતોને નુકશાની સહન કરવી પડે છે.  છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેનાલ લીકેજ થતાં પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ બન્યા છે. જેમાં ધામામાં કેનાલમાં શેવાળના કારણે કેનાલના લીકેજ પાણી ખેતરોમાં જીરાના પાકમાં ફરી વળતા ખેતરો કેનાલના પાણીથી જળબંબાકાર બન્યા હતા.

પાટડી તાલુકાના ધામા ગામની સીમમાં નર્મદા કેનાલ શેવાળના કારણે લીકેજ થવાથી કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા વિભાગને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ કેનાલના લીકેજ બાબતે નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આથી તંત્ર દ્વારા આ કેનાલ તાકીદે રિપેરિંગ કરવામાં આવે એવી વ્યાપક માંગ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી છે. જો કે કેનાલના મદદનીશ ઈજનેરએ જણાવ્યું હતું કે, આ કેનાલ ધામામાં લીકેજ હોવાની ફરિયાદ અમને મળી છે. હાલમાં ખેડૂતોને કેનાલનું પાણી આપવાનું કામ ચાલુ છે. અને 15મી ફેબ્રુઆરી બાદ આ કેનાલનું પાણી બંધ કર્યા બાદ લીકેજ કેનાલનું કામ રિપેરિંગ કરવામાં આવશે જેથી ખેડૂતોના પ્રશ્નનો નિવેડો આવી શકે.