દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યાં બાદ દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત દ્વારા ઈંગ્લેડન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બ્રિટનથી આવેલા પ્રવાસી સહિત 38 વ્યક્તિઓમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં છે. બીજી તરફ સમગ્ર દેશમાં બ્રિટનથી આવેલા અન્ય પ્રવાસીઓને શોધવામાં આવી રહ્યાં છે. બિહારની રાજધાની પટનામાં પોલીસની ટીમ પીપીઈ કીટ, માસ્ક અને ફેસ શિલ્ડ પહેલીને બ્રિટનથી આવેલા 19 લોકોને શોધી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પટના પોલીસની એક ટીમ ઈંગ્લેન્ડથી પટના આવેલા 19 લોકોને શોધી રહી છે. તેમના માત્ર મોબાઈલ નંબર અને નામ જ મળ્યા છે. તંત્ર દ્વારા આ 19 લોકોને ફોન કરવામાં આવ્યો હતો જો કે, કોઈનો ફોન રિસીવ થયો હતો. જ્યારે કેટલાક નંબર બંધ આવતા હતા. બ્રિટનથી કુલ 97 જેટલા મુસાફર આવ્યાં હતા. સિવિલ સર્જન ડો.વિભાકુમારી સિંહના જણાવ્યા અનુસાર 97 લોકોમાંથી 57 લોકોનો કોરોના ટેસ્ટ થઈ ગયો છે. પરંતુ 19 લોકો હજી સુધી મળી શકતા નથી. આથી પોલીસ હવે આ લોકોને શોધશે. જે 57 લોકોના ટેસ્ટ થયા છે તેમાંથી 45 લોકોના રિપોર્ટ આવી ગયા છે અને બધા જ નેગેટિવ છે. જ્યારે 19 લોકોની શોધખોળ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનની હવાઈ સેવા બંધ કરાયાં બાદ અંતિમ ફ્લાઈટમાં આવેલા મુસાફરોનો એરપોર્ટ ઉપર જ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક મુસાફરોમાં કોરોનાના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. તેમજ છેલ્લા કેટલાક મહિનામાં બ્રિટનથી ભારત આવેલા પ્રવાસીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો ધરાવતા 38 કેસ મળી આવ્યાં છે.