Site icon Revoi.in

પાવાગઢમાં માચીથી ડૂંગર તરફના રોડ પર રોપવે કંપની દ્વારા કરાયેલા દબાણો દુર કરાયા

Social Share

પાવાગઢઃ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢના માચી ખાતે આવેલા ચાચર ચોકની આસપાસની સરકારી જમીન ઉપર ઉભા થયેલા વર્ષો જૂના દબાણો તોડી પાડવામાં આવ્યા બાદ માચીથી ડુંગર તરફના માર્ગ ઉપર અત્રે ઉડન ખટોલા સેવા ચલાવતી કંપની દ્વારા કરવામાં આવેલા દબાણો તોડી પાડીને હટાવી દેવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે રોપ વે સેવા કંપનીને ફાળવવામાં આવેલી જમીન કરતાં અન્ય કેટલીક જમીન ઉપર દબાણ કરીને આ કંપનીએ અહીં મોટું રેસ્ટોરન્ટ તથા ઉપવન બનાવી દીધું હતું.  જેના ઉપર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ત્રીજા અને ચોથા તબક્કામાં જે વિકાસના કામો કરવાના છે તે માટે પાવાગઢના માચી ખાતે આવેલા ચાચર ચોકની આજુબાજુની ચાર હેક્ટર જેટલી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી જમીન ઉપર ઉભા થયેલા દબાણ દૂર કરવાની કામગીરી જિલ્લા પંચાયતના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આવા બાંધકામો ઉભા કરનારને નોટિસો આપવામાં આવી હતી અને નોટિસ પિરિયડ પૂરો થતાં આ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.

યાત્રાધામ પાવાગઢ આવતા યાત્રિકો અને સહેલાણીઓની સુવિધા માટે અત્રે ત્રીજા તબક્કામાં 37 કરોડ રૂપિયાનો ખર્ચ કરી વિવિધ સુવિધાઓ ઉભી કરાનાર હોવાથી અત્રે સરકારી જમીનો ખુલ્લી કરાવવામાં આવી રહી છે. કુલ 47 કેટલા પાકા દબાણો તોડી પડવાની કામગીરીના ભાગરૂપે આજે અહીં ઉડન ખટોલા સર્વિસ ચલાવતી કંપની દ્વારા સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોના દબાણો પણ તોડી પાડવાની કામગીરી કરાઈ હતી. કંપનીએ તેના પ્રવેશ દ્વારની બાજુમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર આખું રેસ્ટોરન્ટ ઉભું કરી દીધું હતું અને નજીકમાં જ એક ઉપવન બનાવી દીધું હતું. અહીં માતાજીના દર્શન કરી નીચે ઉતરતા યાત્રાળુઓ આ રેસ્ટોરન્ટના માર્ગે પરત ફરે એવી વ્યવસ્થા આ રેસ્ટોરન્ટ ચલાવવા માટે ઉભી કરવામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાવાગઢના માચી ખાતેના દબાણો દૂર કરવાની કામગીરીના બીજા દિવસે પંચમહાલ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણાની દેખરેખ હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે હાલોલ પ્રાંત અધિકારી અને સ્થાનિક વહીવટી અધિકારીઓને સાથે રાખીને ઉષા બ્રેકો કંપની દ્વારા ઊભું કરી દેવામાં આવેલું રેસ્ટોરન્ટ અને ઉપવન તોડી પાડીને જગ્યા ખુલ્લી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી.