અમદાવાદઃ શહેરભરમાંથી કચરો એકઠો કરીને પીરાણામાં 80 એકર જમીન પર ખડકાતો હોવાથી કચરાના મોટા ડુગરો ખડકાયા હતા. જેના લીધે આ વિસ્તારમાં પ્રદૂષણનો વિકટ પ્રશ્ન ઊભો થયો હતો, વિશાલાથી નરોડા તરફ જતા હાઈવે પર વાહનો જ્યારે પીરાણા વિસ્તારમાંથી પસાર થાય ત્યારે પ્રવાસીઓને કચરાની દૂર્ગંધનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારના રહીશોએ પણ કચરાના ડૂંગરો હટાવવા અવાર-નવાર રજુઆતો કર્યા બાદ મહિનાઓથી કચરાના ડુંગરો હટાવવામાં આવી રહ્યા છે. અને 80 એકર જમીનમાંથી 40 એકર જમીનમાંથી કચરો હટાવીને જમીન ખૂલ્લી કરી દેવામાં આવી છે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પીરાણા વિસ્તારમાં છેલ્લા 44 વર્ષથી કચરાના ડુંગર ખડકાયેલા છે. આ કચરાની ડમ્પિંગ સાઈટ આગામી બે વર્ષમાં જ દૂર થઈ જશે. પીરાણા ડમ્પિંગ સાઈટ પર 80 એકરમાંથી 40 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ છે. બાયોમાઇનિંગ પદ્ધતિથી કચરો દૂર કરવામાં આવી રહ્યો છે અને તેમાંથી જે માટી, રોડાં, પથ્થરો નીકળે છે. આ માટી વગેરેને વિવિધ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ પ્રોજેક્ટ અને નેશનલ હાઈવેની કામગીરીમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પર 10 એકર જમીન અને ગાંધી આશ્રમમાં 4 એકર જમીન પીરાણાની માટીથી સમથળ કરવામાં આવી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પીરાણા ડમ્પ સાઇટ પર બાયોમાઇનિંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ નીકળે છે. જેમાં ખાતરમાં ઉપયોગ થઈ શકે તેવી માટી, પ્લાસ્ટિક-કપડાં અને મોટા રોડા, પથ્થરો હોય છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આસપાસના ગામડાના ખેડૂતોને પુરાણ કે સારી જગ્યા માટે માટી જોઈએ તો આપવામાં આવે છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવાના પુરાણમાં માટીનો વપરાશ કરવામાં આવે છે. અંદાજે 60 લાખ મેટ્રિક ટન માટી આપી છે. જેનાથી રૂ. 90 લાખની એએમસીને આવક થઈ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, એએમસીએ બાયોમાઇનિંગ માટે ગ્રીન જેને એન્વાયરોને બાયોમાઇનિંગ પ્રોસેસ માટે છ એકર જમીન આપી છે. કંપની દ્વારા રૂ. 51.11 લાખ વાર્ષિક રોયલ્ટી ચૂકવવામાં આવશે. એજન્સી દ્વારા દૈનિક ધોરણે 3000 મે. ટન બાયોમાઈનિંગમાંથી નિકળતા આરડીએફનું પ્રોસેસિંગ કરી સિમેન્ટ ઈન્ડસ્ટ્રીને કોફાયરિંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામાં આવે છે. બાયોમાઈનિંગ પદ્ધતિથી પીરાણાના કચરાના ડુંગરોને દૂર કરવાની કામગીરી હવે 24 કલાક કરવામાં આવે છે. 70 મશીન મારફતે હાલમાં પીરાણાના ડુંગરને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હવેથી રાત્રે પણ કચરાનું ડુંગર સાફ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેથી રોજનો 45000 મેટ્રિક ટન કચરો દૂર થશે.જેથી બે વર્ષમાં અમદાવાદીઓને પીરાણાના પ્રદૂષણમાંથી મુક્તિ મળી જશે.