પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલા શિક્ષા અધિકાર સંમેલનમાં ભાજપ સરકાર સામે કરાયા પ્રહારો
પોરબંદરઃ શહેરમાં કોંગ્રેસના ઉપક્રમે શિક્ષા અધિકાર સંમેલન યોજાયુ હતું. જેમાં ભાજપની સરકારમાં શિક્ષણનું ખાનગીકરણ, આડેધડ ઉધરાવાતી ફી, વગેરે પ્રશ્નોને ઉજાગર કરીને ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં ગુજરાત કોગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગુજરાત એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં શિક્ષા અધિકાર સંમેલન યોજાયું હતું. જેમાં મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર NSUI હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નને લઇને સક્રિય ભૂમિકા ભજવતું આવ્યું છે. નાના-મોટા પ્રશ્ને હંમેશા શાળા-કોલેજના વિદ્યાર્થી માટે આક્રમક મૂડમાં હોય છે. સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહી સતત કાર્યશીલ દાખવતું પોરબંદર જિલ્લા NSUIનું સંગઠન છે. હાલ રાજ્યમા શિક્ષણનું દિવસે-દિવસે ખાનગીકરણ તેમજ શિક્ષણ માફીયાઓને રાજ્ય સરકાર દ્વારા બેફામ ફી વધારા મંજૂરીઓ આપી દીધી છે, તેને લઇને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભોગવી રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર કૌભાંડો હોય કે યુનિવર્સિટીમાં પેપરલીકનો મામલો હોય રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક કૌભાંડીઓને છાવરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં રિએસેસમેન્ટના કૌભાંડો હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે હજુ સુધી આ બાબતે બન્ને યુનિવર્સિટીમાં હકીકત સામે આવી નથી.
તેમણે ઉમેર્યું હતું કે, આ સરકારે રાજ્યમાં કોઇ પણ નવી સરકારી શાળાઓ ખોલી નથી. નવી સરકારી કોલેજો 27 વર્ષના શાસનમાં આપી નથી. પોરબંદરમાં પણ સારી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભાવસિહજી ટેકનિકલ હોય કે મિડલ સ્કૂલ જયાં ગામના સારા લોકોએ અભ્યાસ કર્યો છે તે અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે. ગામડાઓમા સ્કૂલોને મર્જ કરી ઘણી સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શિક્ષણને આ સરકારે વેપાર બનાવી દીધો છે.
ગુજરાત NSUI પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને લઇને જે વચનો આપવામાં આવ્યાં છે, જેમ કે રાજ્યમા બેરોજગાર યુવાનોને 3000 ભથ્થું, રાજ્યમા સરકારી નવી શાળા ખોલવી તેમજ 10 લાખ યુવાનોને નોકરી આપી જેવા વચનો વિદ્યાર્થીઓને કરવામાં આવ્યાં હતાં. કોંગ્રેસની સરકાર બનતા જ જે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેમને લાગુ કરવામાં આવશે. હાલ કોલેજોમાં વેકેશન હોવા છતા પણ 500થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષા અધિકાર સંમેલનમાં જોડાયા છે. આ જોતા લાગી રહ્યું છે કે, યુવાનોએ પણ હવે મક્કમતા દાખવીને 27 વર્ષથી રાજ્યમાં જે શિક્ષણનું સ્તર નીચે જઇ રહ્યું છે તેમને હવે બદલાવાનો સમય આવી ગયો છે, તેવું નક્કી કરી લીધું છે.