ગાંધીનગરઃ ગુજરાતમાં ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ 7000 આચાર્યોની ભરતી કરવામાં આવી હતી.12 વર્ષ સુધી બદલીના કોઈ નિયમો ન બનાવાતા આચાર્યોને એકજ શાળામાં ફરજ બજાવવી પડી છે. અ અંગે શાળાના આચાર્યોની લડત બાદ શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ નિયમોના આધારે 31 જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં દિન સાતમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદાની અમલવારી કર્યા બાદ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ આચાર્યોની ભરતી કરવામાં આવી હતી. જોકે રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં અંદાજે 7,000 જેટલા એચટાટ આચાર્યોની ભરતી કરી અને 12 વર્ષ સુધી તેની બદલીના સહિતના કોઈ જ નિયમો બનાવવામાં આવ્યા નહીં. જેને પરિણામે એચ ટાટ આચાર્યોને 12 વર્ષ સુધી એક જ શાળાઓમાં ફરજ બજાવાની પડી હતી. ઉપરાંત એચ ટાટ આચાર્યોને વતનનો લાભ પણ નહીં મળતા તેઓમાં નારાજગી ઊઠવા પામી હતી. જોકે એચ ટાટ આચાર્યોની ધીરજ ખૂટી પડતા બાર વર્ષ પછી આંદોલન કરતા જ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું રાજ્યનું શિક્ષણ વિભાગ જાગતા જ એચ ટાટ આચાર્યો માટે બદલી સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે. ઉપરાંત તેની અમલવારી પણ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આદેશ કર્યો છે કે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભરતી કરાયેલા એચટાટ આચાર્યોનું મહેકમ 31 જુલાઈની સ્થિતિએ નિયત કરી તેની દરખાસ્ત સાત દિવસમાં શિક્ષણ વિભાગને મોકલી દેવાનો આદેશ કર્યો છે. ઉપરાંત પ્રકરણ એફના પારા નંબર બેની જોગવાઈ મુજબ વહીવટી બદલી અંગેની કાર્યવાહી પણ સત્વરે હાથ ધરવાનું આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુમાં બદલીના નિયમો અંતર્ગત પકરણ જી અને પ્રકરણ એચની જોગવાઈ મુજબ બદલીની કાર્યવાહી હાથ ધરવા અંગેનું સમયપત્રક બનાવીને તેની જાણ વિભાગમાં સત્વરે કરવાનો આદેશ કર્યો છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે એચ ટાટ આચાર્યોની બદલીના નિયમો બનાવવામાં 12 વર્ષ જેટલો સમય વિતાવ્યા બાદ હવે તેની અમલવારી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી હોય તેમ શિક્ષણ વિભાગે કરેલા આદેશ ઉપરથી લાગી રહ્યું છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ નિયમોના આધારે 31 જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં દિન સાતમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે. ઉપરાંત દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ દરખાસ્ત પણ કરવાની રહેશે તેવો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.