3 શહેરની ખાનગી સોસાયટીઓમાં વિકાસ કાર્યો માટે સરકારની કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદઃ રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નગરજનોને પોતાના રહેણાકની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિવિધ કામો હાથ ધરવા રાજ્ય સરકાર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નાણાંની ફાળવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને આ યોજના અંતર્ગત રૂ. 5.62 કરોડની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.
મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ અંગેની જે દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. તેમાંથી તેમણે કરજણ નગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 51કામો માટે રૂ. 5.05 કરોડની મંજૂરી આપી છે. આ 51 કામોમાં સી.સી રોડ અને પેવર બ્લોકના કામોનો સમાવેશ થાય છે. કુલ 51 પરિવારોને આ કામોથી સુવિધા મળતી થશે.
મોડાસા નગરપાલિકાને રૂ. 30.37 લાખના ખર્ચે ખાનગી સોસાયટી જનભાગીદારી અન્વયે પેવર બ્લોક નાંખવાના 4 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ કામો મંજૂર થવાથી 279 પરિવારોને લાભ મળતો થશે. આ ઉપરાંત ખેરાલુ નગરપાલિકાને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારીના કુલ બે કામો માટે રૂ. 24.63 લાખ ની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ રકમમાંથી પીવાના પાણીની પાઇપ લાઇન અને ગટર લાઇનના કામો હાથ ધરાશે. કુલ 109 પરિવારોને આના પરિણામે લાભ મળવાનો છે. શહેરી વિકાસ વિભાગ મારફત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે રજુ કરેલી આ ત્રણેય નગરપાલિકાઓની દરખાસ્તોને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.