મહારાષ્ટ્રના પૂણેમાં રૂ. એક કરોડથી વધુનું ચરસ ઝડપાયું, બેની ધરપકડ
મુંબઈઃ દેશમાં નવા વર્ષની ઉજવણીમાં નશીલા દ્રવ્યોની રેલમછેલ કરવાના કેટલાક તત્વો દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા આવા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન પૂણે રેલવે પોલીસે રૂ. એક કરોડથી વધુની કિંમતના ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ જથ્થો નવા વર્ષની ઉજવણી માટે મુંબઈ સહિતના શહેરોમાં મોકલવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂણે પોલીસે 34 કિલો ચરસના જથ્થા સાથે કૌલસિંગ રૂપસિંગ (ઉ.વ.40) અને લલિતકુમાર દયાનંદ શર્મા (ઉ.વ.49)ની ધરપકડ કરી હતી. બંને આરોપી હિમાચલ પ્રદેશના હોવાનું જાણવા મળે છે.
પોલીસ અધિક્ષક સદાનંદ પાટીલે જણાવ્યું હતું કે, લોહમાર્ગ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રૂ. 1 કરોડ કરતાં વધુ કિંમતનું ચરસ જપ્ત કરાયું હતું. નવા વર્ષના આગલા દિવસે તેનું વેચાણ મુંબઈ, પુણે, ગોવા અને બૅન્ગલોરમાં થવાનું હતું.