નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મુખ્યમંત્રી ચન્ની અને નવજોતસિંહ સિદ્ધુ, પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અરમિંદરસિંહ સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબમાં ભવ્ય વિજય બાદ આમ આદમી પાર્ટીએ સરકાર બનાવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા ભગવંતસિંહ માન તા. 16મી માર્ચના રોજ શપત ગ્રહણ કરશે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.
આમ આદમી પાર્ટી પંજાબના અધ્યક્ષ અને પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ભગવંત સિંહ માન બુધવારે, 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અગાઉ 12 માર્ચે તેઓ પંજાબના રાજ્યપાલને મળશે અને સરકાર રચવાનો દાવો કરશે. આ સાથે ભગવંત માને ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવી હતી.
ભગવંત માન 16 માર્ચે નવાશહેરના ખટકર કલાન ગામ ખાતે શહીદ-એ-આઝમ ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કેબિનેટના ઘણા સાથીદારો હાજર રહેશે. આ ઉપરાંત અન્ય રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેના ગઈકાલે પરિણામ જાહેર થયાં હતા. ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. ભાજપ દ્વારા પણ ચારેય રાજ્યોમાં સરકાર બનાવવાની કવાયત શરૂ કરી છે.