પંજાબમાં ટ્રક, કન્ટેનર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિના મોત
નવી દિલ્હી: પંજાબના સુનમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારને ટ્રક અને તેલના કન્ટેનરે ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ અસ્માત એટલો ખતરનાક હતો કે, કારનો ભુક્કો બોલી ગયો હતો. પોલીસ દ્વારા ગેસ કટરથી વાહનને કાપીને અંદરથી મૃતદેહ બહાર કાઢવા પડ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કાર માલેરકોટલાથી સુનમ જઈ રહી હતી. આ દરમિયાન રાત્રે 2 વાગ્યાની આસપાસ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કેન્ટર વચ્ચે આવી જતાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી, જેના કારણે વેલ્ડિંગ મશીન વડે લોખંડને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો માલેરકોટલામાં બાબા હૈદર શેખની દરગાહથી માથું ટેકવીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુનમ મેહલા રોડ પર આ અકસ્માત થયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુનમ અને સંગરુરની સરકારી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. તમામ મૃતકો સુનામના રહેવાસી હતા. મૃતકોની ઓળખ દીપક જિંદાલ, નીરજ સિંગલા અને તેમના પુત્ર લકી કુમાર, વિજય કુમાર અને દેવેશ જિંદાલ તરીકે થઈ છે.
પંજાબના સુનમ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસનરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓના કરુણ મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.