Site icon Revoi.in

વડોદરામાં રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક સાથે 9 મકાનોની છત તૂટતા ત્રણ મહિલાને ઈજા

Social Share

વડોદરાઃ શહેરમાં માણેજા ફાટક પાસે આવેલી રાધા કૃષ્ણપાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે એક સાથે 8 થી 9 મકાનોની આગળના ભાગનો છત એકાએક તૂટી પડતા ત્રણ મહિલાઓને  ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ રાધાકૃષ્ણ પાર્કના જર્જરિત મકાનોને મ્યુનિ. કોર્પોરેશનને નોટિસ આપી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વડોદરા શહેરમાં રવિવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ શહેરમાં ઠેર ઠેર ઝાડ પડવા, હોર્ડિંગ તૂટી પડવા સહિત કેટલીક જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ પણ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. તેવામાં એક સાથે આઠથી નવ મકાનોનો સ્લેબ તૂટી પડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં ત્રણ મહિલાઓને ઈજા પહોંચી હતી. શહેરના માણેજા ફાટક પાસે તુલસી વાટિકા સામે આવેલ 19 રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં રવિવારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ લોકો પોતાના ઘર આંગણે આરામ ફરમાવી રહ્યા હતા. ત્યારે અચાનક એકસાથે આઠથી નવ મકાનોની છત તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે, સ્લેબ પડી ગયો છે. તેમાં બિલ્ડરની બેદરકારી છે. તેની સામે પગલાં લેવા જોઈએ. 8 થી 9 મકાનોની છત તૂટી પડી હતી. બુમાબુમ કરતા આજુબાજુના લોકોએ દોડી આવી અમને બહાર કાઢ્યા માંડમાંડ અમે બચી ગયા છીએ. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.