- રાજકોટમાં વરસાદને લીધે ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે,
- હાઈવે પર પડેલા ખાડાઓ સપ્તાહમાં પૂરી દેવાશે,
- આરએમસીએ ખાડા પુરવા ખાસ મશીન મંગાવ્યુ
રાજકોટઃ શહેરમાં ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આવી સ્થિતિ નેશનલ હાઈવે પર પણ જોવા મળી રહી છે. ત્યારે હાઈવે ઓથોરિટીએ ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દીધી છે. અને એક સપ્તાહમાં હાઈવે પરના તમામ ખાડાઓને મરામત કરી દેવાશે. જ્યારે રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી દોઢ મહિનામાં રોડ પરના તમામ ખાડા પૂરી દેવામાં આવશે,
રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ શહેરના તમામ રોડ પર ખાડા પડ્યા છે. આવી જ સ્થિતિ નેશનલ હાઈવેની પણ છે. વાહનચાલકો ઉબડ-ખાબડ રોડથી ત્રસ્ત થઈ ગયા છે. જોકે હાઈવે ઓથોરિટીએ ચોમાસામાં પણ ડામર પ્લાન્ટ ચાલુ કરીને રોડ મરામતની કામગીરી શરૂ કરી હતી. જ્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને પણ રોડ પર પડેલા ખાડા પૂરવા માટે ખાસ મશીન મગાવ્યું છે. શહેરમાં 12000 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં ખાડા પડ્યા છે, સરેરાશ એક ચો.મી.નો એક ગણીએ તો પણ 12000 ખાડા થાય, એટલે મ્યુનિ. માટે આ સમયે ખાડા પૂરવા સૌથી મોટો પડકાર છે. કારણ કે, ડામરના પ્લાન્ટ ચાલુ થયા નથી. કપચીમાં ભેજ હોય ત્યાં સુધી પ્લાન્ટ કાર્યરત થઈ શકતા નથી અને મોરમ નાખીને લાંબુ ન ચલાવી શકાય.
રાજકોટ શહેરમાં આગામી 15 દિવસ સુધી શહેરના મુખ્ય માર્ગોમાં રોડ રિપેરનું કામ હાથ ધરાશે. ત્યાં સુધીમાં બીજા બે મશીન પણ આવી જશે. ત્યાં સુધીમાં તો ડામર પ્લાન્ટ શરૂ થઈ જતા બાકીના રોડ-રસ્તાના ખાડા પર કામગીરી વધુ ઝડપથી થશે અને દોઢ મહિનામાં તમામ ખાડા પૂરી દેવામાં આવશે.
રાજકોટથી જેતપુર હાઈવે પર ભારે વરસાદને કારણે રસ્તો જર્જરિત બની ગયો હતો. બીજી તરફ આ ભાગમાં વાહનોની ભારે અવરજવર હોય છે જેને લઈને રસ્તો રિપેર કરવો જરૂરી હતો. મ્યુનિએ એક તરફ ડામર પ્લાન્ટ શરૂ કરી શકતી નથી તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટીએ એજન્સી પાસે ચોમાસામાં પણ ડામર પ્લાન્ટ શરૂ કરાવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ કોન્ટ્રાક્ટર એજન્સીને સૂચના આપીને ચોમાસામાં પણ પ્લાન્ટ ચાલુ કરાવ્યા હતા અને જેતપુરથી રિપેરિંગ કામ ચાલુ કરાયું હતું. જે પૈકી 80 ટકા રસ્તો રિપેર થઈ ચૂક્યો છે અને અગામી સપ્તાહે રાજકોટ સુધીનો માર્ગ રિપેર થઈ જશે. આ કારણે શહેર અને હાઈવે બંને રસ્તાઓ રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે.