Site icon Revoi.in

રાજકોટમાં પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો નકલી માવો પકડાયો

Social Share

રાજકોટઃ શહેરમાં નકલી ઘી બાદ હવે નકલી દુધનો માવો પકડાયો છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળિયા સામે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોરબંદર તરફથી આવતો દૂધનો 120 કિલો માવો અને 20 કિલો થાબડીનો નકલી જથ્થો ઝડપી પાડ્યો હતો. દૂધના માવાની અંદર મિલ્ક ફેટના બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થયાનું બહાર આવ્યું છે. આથી આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, વેજીટેબલ ફેટવાળો માવો ખાવાથી હૃદયરોગ, સ્ટ્રોક અને કિડનનું કેન્સર થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં નકલી માવાની મીઠાઈઓ બનાવવામાં આવતી હોવાની મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી. આથી આરોગ્ય વિભાગના અધિકારીઓએ નકલી માવો ક્યાંથી આવે છે. તેની માહિતી મેળવીને તપાસ હાથ ધરી હતી. અને પોરબંદર તરફથી લવાતો 120 કિલો નકલી માવો પકડી પાડ્યો હતો. માવો ડુપ્લીકેટ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. માવાની સાથે શંકાસ્પદ થાબડીનો જથ્થો પણ મળી આવ્યો હતો.. જેના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે. આજે સવારે પોરબંદર-જૂનાગઢ તરફથી આ જથ્થા ભરેલી ગાડી આરોગ્ય વિભાગ દ્વારા રોકવામાં આવી હતી. જેમાં નકલી માવો અને થાબડીનો જથ્થો મળી આવ્યો હતો.

આરોગ્ય વિભાગની તપાસમાં આ માવાનો જથ્થો માણાવદર તાલુકાના મરમઠ ગામથી આવ્યો હોવાનું ખુલ્યું છે. તેમજ મરમઠ ગામના હિરેન મોઢાએ રાજકોટ માવાનો જથ્થો મોકલ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ જોતા જ કહ્યું હતું કે માવાની અંદર મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ કરાયો છે.

મ્યુનિના આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે વધુમાં જણાવ્યુ હતું કે, માવાનો નકલી જથ્થો મળી આવ્યો છે તેમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ મળી આવ્યું છે. વેજીટેબલ ફેટ એવી વસ્તુ છે કે, તે આરોગ્ય માટે ખરેખર નુકસાન કરે છે. આનાથી હૃદયરોગ, સ્ટ્રોક, બ્લડપ્રેશર અને કિડનીનું કેન્સર પણ થઈ શકે છે. આ અનહાઈજીન માવો ખાવાથી ફૂડ પોઇઝનિંગ અને પેટના રોગો પણ થઇ શકે છે. દૂધ એ આરોગ્ય માટે સારી વસ્તુ છે. પરંતુ આવા લેભાગુ તત્વો મિલ્ક ફેટનો ઉપયોગ કરવાને બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ કરી લોકોને ગંભીર બિમારીમાં ધકેલે છે. (file photo)