Site icon Revoi.in

રાજકોટમાં જરૂર ન હોવા થતા ઓક્સિજનની માગ કરતી 14 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ

Social Share

રાજકોટ : શહેરમાં  કોરોનાના કેસ વધતા જાય છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક ખાનગી હોસ્પિટલોને પણ સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ કેટલી હોસ્પિટલ બિનજરૂરી ઓક્સિજનના સપ્લાયની માંગ કરતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવી હોસ્પિટલ સામે તંત્રએ લાલ આઁખ કરી છે.

રાજકોટમાં ઓક્સિજનની જરૂર ન હોવા છતાં ડિમાન્ડ કરતી 14 હોસ્પિટલોને બ્લેકલિસ્ટમાં મુકી દેવામાં આવી છે. એટલે કે, ઓક્સિજન પૂરો પાડવામાંથી બાકાત કરી દેવામાં આવી છે. બે દિવસ પહેલા શહેરની 102 હોસ્પિટલોને ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવ્યો હતો. છતાં પણ કેટલીક હોસ્પિટલો પાસે ઓક્સિજન હોવા છતાં ડિમાન્ડ મૂકવામાં આવી હતી. તેથી બિનજરૂરી ઓક્સિજન માંગતી 14 હોસ્પિટલોના નામ વહીવટી તંત્રએ લિસ્ટમાંથી બાકાત કર્યાં છે. હાલ માત્ર 88 હોસ્પિટલોને ઓક્સિજન આપવામાં આવ્યો છે.

હાલ રાજકોટમાં ઓક્સિજનની સ્થિતિ ધીરે ધીરે થાળે પડતી હોવાનો તંત્રનો દાવો છે. આજે પણ રાજકોટની સિવિલ હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ફરી દર્દીઓની લાંબી લાઈનો લાગેલી જોવા મળી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તબીબો દર્દીઓને ચકાસવામાં આવી રહ્યાં છે. ઈમરજન્સી જણાય તો દર્દીને કોવિડ હોસ્પિટલમાં સીધા દાખલ કરાય છે. જિલ્લા કલેક્ટર સહિત વહિવટી તંત્ર સ્થિતિને સુધારવા માટેના પ્રયાસો કરી રહ્યુ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને વહેલીતકે સારવાર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે ખાનગી હોસ્પિટલોને પણ તાકિદ કરવામાં આવી છે કે, જરૂર ન હોય તો ઓક્સિજનની માગ કરવી નહીં.