રાજકોટ : શહેરમાં આજે મવડી રોડ પરની પૂરફાટ જતી એક કાર કૂવામાં ખાબકી હતી. જેમાં કારના ડ્રાઇવરનું મોત થયું હતું. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. હાલ ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કારને કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના મવડી રોડ નજીક એક પૂરફાટ ઝડપે જઈ રહેલી લક્ઝરી કાર કૂવામાં ખાબકી હતી. જ્યાં કારના ડ્રાઇવર અજય પીઠવાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે કારમાં બેઠેલા હિરેન સિદ્ધપુરાનું અને વિરલ સિદ્ધપુરાનો બચાવ થયો હતો. દરમિયાન ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, બપોરે પોણા બે વાગ્યા આસપાસ ફાયરબ્રિગેડને જાણ થતાં મવડી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર યોગેશ જાની સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પ્રથમ કુવા પડેલી કારમાંથી એક યુવાનને બહાર કઢાયો હતો. સ્થળ પર પહોંચેલી 108ના ઇએમટીએ યુવાનને તપાસી મૃત જાહેર કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવાનની ઓળખ કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. ફાયરબ્રિગેડે ક્રેનની મદદથી કારને કૂવામાંથી બહાર કાઢી હતી.
જાણવા મળતી વિગત મુજબ એમજી ગ્લોસ્ટર કાર નં.જીજે – 03 – એમબી – 0400માં સવાર થઈ વિરલ દીપકભાઈ સિદ્ધપુરા, અમિતભાઇ કાંતિભાઈ કારેલીયા અને અજય અશોકભાઈ પીઠવા નામના ત્રણ યુવાનો નવા 150 ફૂટ રિંગ રોડથી મવડી ગામ પાસે આવેલા પાળ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે ચાલક વિરલે કાબુ ગુમાવતા કાર ફોલ્ડર દિવાર તોડી ઊંડા કુવામાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર અજયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે વિરલ અને અમિતનો આબાદ બચાવ થયો છે. કારના માલિક હિરેનભાઈ રમેશભાઈ સિદ્ધપુરા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે અરેરાટી વ્યાપી છે.