રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓના ચૂંટણી પ્રચારાર્થે ગુજરતમાં આંટોફેરા વધી ગયા છે. આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલ સુરતની મુલાકાતે આવ્યા બાદ હવે મંગળવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે ગોષ્ઠિ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તમામ તાકાત કામે લગાડી દીધી છે. તાજેતરમાં જ આપ’ના વડા અરવિંદ કેજરીવાલે સુરતની મુલાકાત લીધી હતી. અને ગુજરાતમાં ‘આપ’ની સરકાર આવે તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિતની જાહેરાત કરી હતી. અને હવે તા. 25 અને 26ના રોજ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા કેજરીવાલ સોમવારે સોમનાથ મંદિરે જશે અને મંગળવારે શહેરમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક કરશે.
આ અંગે રાજકોટમાં AAPના કેન્દ્રીય સહમંત્રી ઇન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, આવતીકાલે તા.25મીના રોજ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સોમનાથ જશે. ભગવાન સોમનાથના દર્શન કરશે અને ભોળાનાથની પૂજા કર્યા બાદ ત્યાં જ રાત્રી રોકાણ કરશે. તા.26ના રોજ તેઓ રાજકોટ આવશે. જ્યાં ટાઉન હોલ ખાતે તેમની અધ્યક્ષતામાં બપોરે 12 વાગ્યે એક કાર્યક્રમ યોજાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક કરશે અને તેમના પ્રશ્નો સાંભળશે. 26 તારીખ બાદ ફરી 1 ઓગસ્ટના રોજ અરવિંદ કેજરીવાલ સોમનાથ આવી સભાનું સંબોધન કરશે. નોંધનીય છે કે રાજકોટમાં યોજાનાર કાર્યકર્મમાં અરવિંદ કેજરીવાલે સુરત ખાતે ગુજરાતના લોકો માટે 300 યુનિટ ફ્રી વીજળીનો જે પહેલી ગેરેન્ટી આપી એવી જ રીતે અન્ય કોઈ જાહેરાત રાજકોટ ખાતે કરી શકે છે.