Site icon Revoi.in

રાજકોટમાં અવાજનું પ્રદુષણ ફેલાવતા વાહનોના ચાલકો સામે થશે કાર્યવાહી

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં અવાજનું પ્રદુષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાનો ઉચ્ચ અધિકારીઓની મળેલી રોડ સેફ્ટી મિટીંગમાં લેવાયો હતો. આ કામગીરીમાં પોલીસની સાથે આરટીઓ પણ જોડાશે. આ ઉપરાંત પોલીસ કમિશનર દ્વારા જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા ટ્રાફિક પોલીસ તેમજ મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવા નિર્દેશ કરાયો હતો. નો પાર્કિંગ ઝોન જગ્યાએ યોગ્ય રીતે સાઈનબોર્ડ લગાવવા ખાસ સૂચના અપાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજિત રોડ સેફટી મિટિંગમાં ટ્રાફિક નિયમન, જનજાગૃતિ અને અકસ્માત નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર આસપાસના 36 જેટલા બ્લેકસ્પોટ પર વાહન અકસ્માત અટકાવવા ખાસ અભિયાન હાથ ધરાયુ છે. સંલગ્ન વિભાગ દ્વારા જે તે સ્થળ પર જરૂરી સ્પીડ બ્રેકર પટ્ટા, એલી.ઈ.ડી. લાઇટ સહિત સાઈનેઝ લગાવવાની કામગીરી ચાલી રહી છે. હાલ અકસ્માતના પ્રમાણમાં ઘટાડો થયો છે.

રોડ સેફ્ટી મિટીંગમાં રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ ટાઈમિંગ, નો પાર્કિંગ ઝોન સહીત વિવિધ સાઈન બોર્ડ, પાર્કિંગ ઝોન સ્થળો સહિતના મુદ્દે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રોડ સેફ્ટી મીટીંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મનપાના અધિકારીઓ, હાઈ-વે ઓથોરિટીના તથા જીઈબીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.