Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટ સંકુલમાં મોટી ટુર્ઘટના ટળી, પીકઅપ એન્ડ ડ્રોપ એરિયાની છત ક્ષતિગ્રસ્ત થઈ

Social Share

અમદાવાદઃ દિલ્હી અને જબલપુર બાદ હવે ગુજરાતના રાજકોટમાં પણ એરપોર્ટની છતનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી. જો કે, આ બનાવને પગલે એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પીએમ મોદીએ જુલાઈ 2023માં જ કર્યું હતું. આ એરપોર્ટનું વિસ્તરણ 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું હતું.

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ એન્ડ ડ્રોપ એરિયામાં એક બાજુની છત તૂટી હોવાનું જાણવા મળે છે.

શુક્રવારે જ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડી હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત શુક્રવારે સવારે લગભગ 5.00 વાગ્યે થયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1 પર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે પાર્કિંગ એરિયામાં વાહનોની કતારો લાગી ગઈ હતી. આ દરમિયાન એરપોર્ટના ટર્મિનલ-1 પર અચાનક છતનો મોટો ભાગ નીચે પડી ગયો હતો. કારમાં બેઠેલા એક ડ્રાઈવરનું ત્યાં જ મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે નવા બનેલા ડુમના એરપોર્ટના ડ્રોપ એન્ડ ગો એરિયામાં ટેન્સાઈલ છત ફાટવાને કારણે પાણી ભરાઈ ગયું હતું. આ ઘટનામાં આવકવેરા વિભાગના અધિકારી અને તેમનો ડ્રાઈવર ફસાયા હતા. આ એરપોર્ટ 450 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.