રાજકોટઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બની ગયા છે. મોટાભાગના શહેરોમાં તાપામાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો છે. રાજકોટ શહેરમાં પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં બપોરના સમયે ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને રસ્તાઓ પણ સુમસામ બની જતા હાય છે. શહેરના ચાર સસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ચાલુ હાય વાહનચાલકોને ટ્રાફિક ન હોવા છતાં તડકામાં ઊભા રહેવું પડતું હતું. દ્વીચક્રી વાહનચાલકો તો ભર બપોરે બે મિનિટ પણ તડકામાં ઊભી રહેવાથી ત્રસ્ત બની જતાં હોય છે, ત્યારે તંત્રએ શહેરમાં બપોરના સમયે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ શહેરમાં સૂર્યનારાયણના પ્રકોપથી જનજીવન પર તેની ઘેરી અસર જોવા મળી રહી છે, બપોરના સમયે કોઈ કામ અર્થે ઘરની બહાર નીકળતાં લોકો ટ્રાફિક પોઇન્ટ પર પહોંચે અને સિગ્નલ બંધ હોય ત્યારે લાંબો સમય તડકામાં પરેશાન થવું પડે છે, લોકોની આ મુશ્કેલીને ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સંવેદના દાખવીને બપોરના 1થી 4 વાગ્યા સુધી શહેરના તમામ સિગ્નલ બંધ રાખવાનો આદેશ કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા પંદર દિવસથી તાપમાનનો પારો સતત ઊંચો રહેતા સવારના નવ વાગ્યાથી જ લોકોને તાપ અને ગરમીનો સામનો કરવો પડે છે અને જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ આગના ગોળામાં ફસાયા હોય તેવો અનુભવ થવા લાગે છે, બપોરના સમયે તો ભારે તાપને કારણે રસ્તા પર ટ્રાફિક પણ ઓછો થઇ જાય છે, પરંતુ જે લોકોને કામ સબબ બહાર જવું ફરજિયાત હોય તેમણે નાછૂટકે આકરાં તાપનો સામનો કરવો જ પડે છે, આ સંજોગોમાં જ્યારે વાહનચાલક ટ્રાફિક સિગ્નલે પહોંચે અને સિગ્નલ બંધ હોય ત્યારે ગ્રીન સિગ્નલ થાય નહીં ત્યાં સુધી લોકોને આકરો તાપ વેઠવો પડે છે. બપોરના સમયે અન્ય સમય કરતા ટ્રાફિક ઓછો હોય છે આવા સંજોગોમાં બપોરે સિગ્નલ બંધ રાખવામાં આવે તો લોકોને બિનજરૂરી રીતે તાપમાં શેકાવું પડે નહીં તેવી રજૂઆત ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સમક્ષ થતાં તેમણે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને બપોરે ક્યા સમયે ઓછો ટ્રાફિક હોય છે, ક્યા સમયે સિગ્નલ બંધ કરવાથી ટ્રાફિક સમસ્યા સર્જાશે નહીં તેનો સર્વે કરવા ટ્રાફિક એસીપીને આદેશ કર્યો હતો સર્વેમાં બપોરના 1થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવામાં આવે તો પણ ટ્રાફિક સમસ્યા થશે નહીં તેવું સ્પષ્ટ થતાં ખુરશીદ અહેમદે લોકો પ્રત્યે સંવેદના દાખવીને ઉનાળાની પ્રવર્તમાન સ્થિતિમાં શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ બપોરના 1 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો.