રાજકોટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ શનિવારે સ્નેહ મિલન નહીં પણ આગેવાનો સાથે સંવાદ કરશે
રાજકોટઃ શહેરમાં ભાજપના નવા વર્ષના સ્નેહ મિલન સમારોહમાં જ અગ્રણીઓ વચ્ચેનું વૈમનસ્ય ઉજાગર થયું હતું. છેલ્લા કેટલાક દિવસથી અવનવા વિવાદોથી આગેવાનોમાં બે જૂથ પડી ગયા છે. આ વિવાદના કારણે પહેલા સી.આર.પાટીલની રાજકોટ મુલાકાત સમયે ભાજપનું સ્નેહમિલન યોજાવાનું હતું જે રદ કરવામાં આવ્યું હતું. હવે એની જગ્યાએ આવતી કાલે તા. 20મીના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક કરી સંવાદ કરશે. આ ઉપરાંત પત્રકારોને સંબોધશે તેમજ ઉદ્યોગપતિ, એનજીઓ સાથે બેઠક કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આવતી કાલે તા.20 ને શનિવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ રાજકોટની મુલાકાત શુભેચ્છા મુલાકાત હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. સી.આર.પાટીલ રાજકોટ ખાતે ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજી ઉદ્યોગની હાલની પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં ઉદ્યોગલક્ષી સરકારની પ્રોત્સાહક નીતિઓ અંગે ચર્ચા હાથ ધરશે. તેમજ શહેરના અનેક એનજીઓ સાથે મીટીંગ યોજી તેમની કાર્યપ્રણાલી અંતર્ગત ચર્ચા કરશે. આ ઉપરાંત શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત જ્ઞાન સંકલ્પ પ્રકલ્પ-3 ના દિક્ષાંત સમારોહમાં પણ બપોરે 3.30 વાગ્યા બાદ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાજરી આપશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેર ભાજપે હેમુ ગઢવી હોલમાં પક્ષના કોર્પોરેટરો, વોર્ડના પ્રમુખ અને મહામંત્રીઓ, વિવિધ સેલના પ્રમુખો અને સંગઠન સાથે સંકળાયેલા નેતાઓ સાથે સી.આર.પાટીલની બેઠકનું આયોજન કર્યું છે. આખી સંગઠનની ટીમ સાથે પાટીલ લગભગ એક કલાક સુધી ચર્ચા કરશે. પાટીલના કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન પછી તેઓ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે તેથી તેમની આ મુલાકાતને પણ મહત્ત્વની ગણવામાં આવે છે.