રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર સફાળુ જાગ્યુ હતુ. અને બીયુ અને ફાયર એનઓસી ન હોય એવા બિલ્ડિંગોને સીલ કરવામાં આવ્યા હતા. શહેરમાં અનેક બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવતા વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા સીલ ખોલી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને શરતોને આધિન મંજૂર કરી અત્યાર સુધી 400 કરતા વધુ મિલકતોનાં સીલ ખોલવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં સીલ કરાયેલી વિવિધ જ્ઞાતિની વાડીઓ (બિલ્ડિંગો) વર્ષો પૂર્વે બનેલી હોવાથી તેને BU પરમિશન નહીં હોવાથી ફાયર NOC મળી શકે તેમ નથી. ત્યારે ફાયર NOC માટે BU પરમિશન જરૂરી હોવાના નિયમમાં ફેરફાર કરવાની માગ ઉઠી છે. આ અંગે મ્યુનિ.કમિશનર અને શહેરના મેયરને જ્ઞાતિના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
રાજકોટમાં કડીયા સમાજના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વિવિધ જ્ઞાતિનાં અગ્રણીઓ દ્વારા આ અંગે મ્યુનિ.ના કમિશનર તેમજ મેયરને પણ રજૂઆત કરવામાં આવી હતી. કે, રાજકોટમાં તમામ જ્ઞાતિ સમાજની વાડીઓ અને મેરેજ હોલને સીલ મારીને બંધ કરવામાં આવ્યા છે. સીલ ખોલવા માટે સંબંધિત અધિકારીઓ દ્વારા દિવસ 7માં ફાયર NOC તેમજ ઘટતા કાગળો મેળવી લેવા માટેનું સોગંદનામું લેવામાં આવે છે. જેમાં ફાયર NOC માટે BU પરમીશન પણ માંગવામાં આવે છે. ફાયર NOC જરૂરી હોવાનું તમામ જ્ઞાતિનાં આગેવાનો સહમત છે. અગ્નિકાંડ પહેલા ફાયર NOC માટેના નિયમો મુજબ ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોર માટે ફાયર NOC જરૂરી નહોતું. જોકે, હવે તે મેળવવાનું રહેતુ હોવાથી આ માટે પણ બધા તૈયાર છે. પરંતુ ફાયર NOC માટે જે તે બિલ્ડિંગનું BU પ્રમાણપત્ર આપવાનું છે, જે મોટાભાગની સમાજની વાડીઓ પાસે ઉપલબ્ધ નથી. કારણ કે, આ વાડીઓના બાંધકામ ઘણા વર્ષો પહેલા BU સ્કીમ અમલમાં આવ્યા પહેલા થયેલા છે. માટે પ્રમાણપત્રનો આગ્રહ ઉચીત જણાતો નથી. જે વાડીઓ પાસે BU છે, તેઓએ પણ બિલ્ડિંગમાં નાના-મોટો ફેરફાર કરેલા હોય છે.
આ ઉપરાંત ઘણા ખાનગી મેરેજ હોલ સુચીત સોસાયટીમાં બંધાયેલા છે. આવા હોલના પ્લાન પાસ કરવામાં આવતા નથી. સુચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ કરવા માટેની પ્રક્રિયા સરકાર દ્વારા ચાલુ છે. જે વાડીઓમાં બાંધકામ ફેરફાર થયા હોય તેને ઈમ્પેકટ ફી હેઠળ રેગ્યુલરાઇઝ કરવાની રહે છે, જે મુદત માંગી લે તેવી બાબત છે. અમુક સમાજની વાડીઓનું બાંધકામ રેગ્યુલરાઇઝ થઇ શકે તેમ નથી. ત્યારે આ તમામ બાબાતોને ધ્યાનમાં લઈ ફાયર NOC માટે BU પરમિશન ફરજીયાતનાં નિયમની ફેર વિચારણા કરવી જરૂરી છે. તેમજ 7 દિવસનો સમય ઓછો હોવાથી વધુ સમય આપવાની માંગ પણ કરવામાં આવી હતી.