રાજકોટઃ શહેરમાં દર ઉનાળે પાણીની રામાયણ સર્જાતી હોય છે. જેમાં કેટલાક રહીશો પાણીનો વેડફાટ કરતા હોવાનું અને ઈલે.મોટરથી પાણી ખેંચીને પાણીની ચોરી કરવાનું ધ્યાને આવતા મ્યુનિ.કમિશનરે આ અગે એક ટીમ બનાવીને આકરો દંડ વસુલવાની સુચના આપી હતી. દરમિયાન મ્યુનિની ટીમે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને 49 રહિશોને પાણીની ચોરી કરતા પકડી લીધા હતા. તેમજ 15 જેટલી ઈલે.મોટર જપ્ત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પરેશન દ્વારા શહેરમાં પાણીના નળમાં ઈલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 4041 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 49 કિસ્સાઓ મળ્યા હતા. 39 આસામીઓને નોટીસ અને 15 આસામીઓની મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ.64,750ની પેનલ્ટ વસુલ કરવામાં આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ દ્વારા પાણીચોરી ચેકિંગ ઝુંબેશ દરમિયાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ.2 હજારની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ આસામી ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ.250 નો દંડ વસુલ કરવામાં આવે છે.સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 18 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળ્યા હતા. 07 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.34,250ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમિયાન 16 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળ્યા હતા. કુલ 06 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 14 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.7,250ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચાસણી દરમ્યાન 17 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. કુલ 09 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી અને 18 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ.23,250ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.