Site icon Revoi.in

રાજકોટ શહેર અને જિલ્લામાં સમી સાંજે ભારે પવન સાથે માવઠું થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

Social Share

રાજકોટઃ શહેર અને જિલ્લામાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આખો દિવસ અસહ્ય ગરમી બાદ મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન ફૂંકાવા લાગ્યો હતો. બાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના ઢેબર રોડ, યાજ્ઞીક રોડ, યુનિવર્સિટી રોડ, જંક્શન, 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, આજી ડેમ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટુ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 4 MM, વેસ્ટ ઝોનમાં 0 MM અને ઇસ્ટ ઝોનમાં 13 MM વરસાદ નોંધાયો હતો..

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા મહિનાથી લોકો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા. ત્યારે મંગળવાર બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. શહેરના કુવાડવા રોડ પર સૌથી વરસાદ નોંધાયો હતો. અહીં થોડી જ મિનીટોમાં અડધો ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પહેલા વરસાદમાં યુવાનો ન્હાવા માટે બહાર નીકળી ગયા હતા. માવઠાને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આખો દિવસ અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. જોકે સાંજના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવાનું ચાલુ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં પવન ફૂંકાવાને કારણે ગરમીમાં ઘટાડો થયો હતો. જોકે બફારાનું પ્રમાણ વધતા લોકો પણ પરેશાન થયા હતા.

રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી ઉનાળુ પાક તલ, બાજરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. હાલ તલ અને બાજરીનો પાક તૈયાર થવા પર છે અને વરસાદથી તેના પર પાણી ફરી વળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમજ કેરી પકવતા સૌરાષ્ટ્રના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. રાજકોટ શહેરમાં જેવો વરસાદ પડ્યો તરજ જ વૃક્ષ પડવાની ઘટના બની હતી. બાપુનગર વિસ્તારમાં લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું.