રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓએ ફોર્મલ કપડા પહેરીને નોકરી પર આવવું પડશે. જીન્સ અને ટીશર્ટ પહેરીને કર્મચારીઓ નોકરી પર આવશે તો તેમની સામે પગલાં લેવાશે, જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓએ પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સરકારી કચેરીઓ કે મિટિંગમાં આવતા કેટલાક કર્મચારીઓ જીન્સ-ટીશર્ટ જેવાં ન શોભે એવાં કપડાં પહેરીને આવતા હોવાની વાત કરી છે. પરિપત્રમાં સરકારી કચેરી, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત કે ગ્રામપંચાયતમાં મર્યાદામાં કપડાં પહેરીને આવવા માટેની તાકીદ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (નાયબ વિકાસ અધિકારી)એ જે પરિપત્ર જાહેર કર્યો છે, એમાં જણાવાયું છે. કે, જિલ્લાપંચાયત કચેરી તાબા હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન કે વડી કચેરી ખાતેની મિટિંગો દરમિયાન એક સરકારી કર્મચારીને શોભે નહીં એવા પ્રકારના પહેરવેશ પહેરી ઉપસ્થિત રહેતા હોવાનું જણાય આવ્યું છે તેમજ આ બાબતે અમને રજૂઆત પણ મળી છે. અમુક વખતે કર્મચારીઓ ઓફિસમાં જીન્સ, ટીશર્ટમાં જોવા મળે છે, તો અમુક વખતે શર્ટ કે ટીશર્ટના ઉપરનાં બટન ખુલ્લાં રાખેલા જોવા મળે છે, જે યોગ્ય બાબત નથી. પરિણામે, લોકોના મનમાં સરકારી કર્મચારીઓની છબિ દૂષિત થાય છે. સામાન્ય લોકો બધા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી સારી વર્તણૂક અને વ્યક્તિત્વની અપેક્ષા રાખે છે. આ વાસ્તવિકતા ધ્યાને રાખીને સદરહુ બાબતમાં શાખાધિકારી/કચેરીના વડાએ તેમના નિયંત્રણના તાબા હેઠળના તમામ કર્મચારીને જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે. અને હવે પછી જિલ્લા, તાલુકા તેમજ ગ્રામકક્ષાએ ફરજ બજાવતા (વિવિધ સરકારી પરિપત્રો હેઠળ ગણવેશ સોંપાયેલા કેડર સિવાય) તમામ કર્મચારીઓએ તેમની કચેરી ફરજ દરમિયાન કર્મચારીને શોભે એ પ્રકારના પહેરવેશ પહેરવા તેમજ હોદ્દાની ગરિમા જળવાઇ રહે એ માટે તાકીદ સહસૂચના આપવામાં આવે છે. આ સૂચનાનું ચુસ્તપણે પાલન થાય એ માટે સંબંધિત કચેરીના વડાએ જરૂરી તકેદારી રાખવાની રહેશે.
આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના DDO દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક સરપંચોની ફરિયાદો મળી હતી, જેમાં અધિકારીઓનાં વાણી-વર્તન તેમજ પહેરવેશ પણ યોગ્ય નહીં હોવાનું જણાવવામાં આવી રહ્યું હતું. કેટલાક કર્મચારીઓ જીન્સ અને ટીશર્ટ પહેરતાં હોવાનું કે શર્ટનાં બટન ખુલ્લાં રાખીને ફરજ બજાવતા હોવાની ફરિયાદો મળી હતી. આથી આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એમાં ફરજ દરમિયાન આ પ્રકારનાં વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત કે ગ્રામપંચાયતમાં મર્યાદામાં રહી કપડાં પહેરીને આવવા માટેની તાકીદ કરવામાં આવી છે તેમજ જો કોઈ કર્મચારીઓ આ નિયમનો ભંગ કરતા જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે.