રાજકોટઃ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખરીફ અને ત્યારબાદ રવિપાકનું મબલખ ઉત્પાદ થયું હતું. સિંચાઈની સુવિધા સરળ બનતા દિવાળી બાદ રવિપાકના વાવેતરમાં પણ વધારો થયો હતો. જો કે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીની સુવિધા નહોવાથી કેટલાક જિલ્લાઓમાં ઉનાળું પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે સૌથી વધુ 50000 હેકટરમાં તલનું વાવેતર થયું છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં રવિપાકની લલણીનું કાર્ય પૂર્ણ થયા બાદ ઉનાળું પાકનું વાવેતર શરૂ કરાયું હતું. જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ઉનાળુ પાકનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે રાજકોટ જિલ્લામાં વાવણી લાયક જમીનમાં વાવેતરમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજકોટ જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ ઓછો પડવાના કારણે હાલ ડેમમાં પાણી ઓછું છે. જેના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકો જસદણ તાલુકો વિંછીયા તાલુકો રાજકોટ તાલુકો તેમજ પડધરીમાં હાલ ઉનાળુ પાકનું વાવેતર ઓછું જોવા મળી રહ્યું છે.
રાજકોટ જિલ્લાના ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના જે ડેમોમાં કેનાલમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે. તે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વાવેતર થતું જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 5,20,000 હજાર હેક્ટર ખેતીલાયક જમીન આવેલી છે. જે પૈકી મગફળીનું વાવેતર 1800 હેક્ટરમાં થયું છે. તલનું વાવેતર 5000 હેક્ટરમાં થયું છે. મગનું વાવેતર 1800 હેકટર માં થયું છે. જ્યારે કે ઘાસચારાનું વાવેતર 4300 હેક્ટરમાં થયું છે. શાકભાજીનું વાવેતર 2300 હેક્ટરમાં થયું છે. સરકાર દ્વારા ખેડૂતોને જરૂરી તમામ મદદ પુરી પાડવામાં આવી રહી હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.