રાજકોટઃ શહેરમાં દિવાળીના પર્વને લીધે હાર્ડવેર મેન્યુફેક્ચર્સ અને હાર્ડવેરના વેપારીઓને ત્યાં સારી એવી ઘરાકી જોવા મળી રહી છે. કેટલાક વેપારીઓ બીલ બનાવ્યા વિના માલની ડિલિવરી કરતા હોવાની ફરિયાદો ઉઠતા સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ શહેરમાં હાર્ડવેરના પાંચ યુનિટ પર દરોડા પાડ્યા હતા. જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવાર સમયે સીજીએસટી વિભાગે દરોડા પાડતા વેપારીઆલમમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ હાર્ડવેર પ્રોજેકટ બનાવતા પાંચ યુનિટો પર દરોડા પાડ્યા હતા. શહેરના એક જાણીતા હાર્ડવેર પ્રોડકટ અને એન્ટ્રપ્રાઈઝમાં સીજીએસટીએ દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. તપાસમાં અંદાજે પિયા એક કરોડની ટેકસ ચોરી પકડવામાં આવી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પાંચ સ્થળોએ સીજીએસટી વિભાગે સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી જોકે આ બાબતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર સ્પષ્ટ્રતા કરવામાં આવી નથી. રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગર સહિતના શહેરોમાં પણ જીએસટીના ચોરી સામે નજર રાખવામાં આવી રહી છે. હાલ દિવાળીના તહેવારોને કારણે સારીએવી ઘરાકી રહેતી હોવાથી કેટલાક વેપારીઓ આ તકનો લાભ લઈને બીલ વિનાનો માલનું વેચાણ કરતા હોવાનું પણ જીએસટીના અધિકારીઓને ધ્યાને આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં જીએસટી વિભાગે દરોડા પાડા હતા. જેમાં ઓટોપાટર્સ વિક્રેતાને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતુ. જેમાં રૂપિયા 10 કરોડની ટેકસ ચોરી પકડી હોવાનું કહેવાય છે. વેચેલો માલ ચોપડે દર્શાવ્યા વિના ક્રેડિટ આપી હોવાનું ખુલ્યું હતું. રેગ્યુલર રિટર્ન ન ભર્યુ હોવાના કારણે ડીજીજીઆઈએ દરોડા પાડા હતા.