રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી વાતાવરણને કારણે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના ખાનગી અને સરકારી દવાખાના દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધેલા મચ્છરોના ઉપદ્રવને દુર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. હાલ શહેરની તમામ શેરીઓ અને સોસાયટીઓમાં મશીનો દ્વારા ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ જ્યા વરસાદી પાણી ભરાયેલા છે. તેવા સ્થળો શોધીને દવાનો છંટકાવ કરીને પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી રોગચાળો વકર્યો છે. ગત સપ્તાહે પણ મનપાનાં ચોપડે નોંધાયેલા શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો હતો. જેને લઈને મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આરોગ્ય વિભાગે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે ખાસ મશીનો દ્વારા ફોગિંગ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના અનેક ગીચ વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવને લઈ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેને લઈને મ્યુનિ.ના આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો કોલેજવાડી, વીર માયા પ્લોટ, શાસ્ત્રી મેદાન, ઓલ્ડ જાગનાથ, ગવલીવાળ સહિતના વિસ્તારોમાં દોડી ગઈ હતી અને ફોગિંગ મશીન સાથે જુદી-જુદી ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ ઘરે-ઘરે પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી હતી.
આ અંગે મ્યુનિ.ના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરનાં જાગનાથ પ્લોટ આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હતો. જેને કારણે વિવિધ ટીમો દ્વારા આ વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. ઘરે-ઘરે જઈને જ્યાં મચ્છરોનાં લારવા જોવા મળે તેવા સ્થળોએ પોરનાશક કામગીરી પણ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં વાદળછાયા ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા અઠવાડિયામાં શરદી-ઉધરસનાં 263 કેસ, સામાન્ય તાવનાં 411 કેસ, ઝાડા-ઉલટીનાં 101 કેસ મળી કુલ 775 કેસ નોંધાયા હતા જો કે, વીતેલા અઠવાડિયામાં મલેરિયા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનાં કોઈપણ કેસ નોંધાયા નહોતા ત્યારે આવા મચ્છરજન્ય રોગો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગે ઝૂંબેશ આદરી છે. તેમજ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે ઠેર-ઠેર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મચ્છરની ઉત્પત્તિ અંગે બેદરકારી બદલ 387 આસામીને નોટિસ ફટકારવામાં આવી હતી.