રાજકોટઃ શહેરમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધુ રહેતુ હોવાથી મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે સર્ચ કરવામાંઆવતું હોય છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનરના આદેશ બાદ ફુડ વિભાગના અધિકારીઓએ જુદાજુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાં તપાસ કરતા વાસી શિખંડ,આઈસ્ક્રીમ,સોસનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગના મતે આવા ખોરાકના સેવનથી ગંભીર રોગ થઈ શકે છે.મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનર આશીષકુમાર પણ દરોડાની ડ્રાઈવમાં જોડાયા હતા ત્યારે તેમણે આ અખાદ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરાવીને આ બાબતે નોટિસ ફટકારી કાર્યવાહી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં મીઠાંઈની દુકાનો પર વિવિધ સ્થળોએ ચેકિંગ કરાતાં એક્સપાયરી થયેલો 14 કિ.ગ્રા. શિખંડ અને 2 કિ.ગ્રા. આઈસક્રીમ મળી કુલ 16 કિ.ગ્રા. જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા શહેરના ભાવનગર રોડ, પાંજરાપોળ નજીક આવેલા એક ફર્મ પર ચકાસણી કરતા સ્થળ પર સંગ્રહ કરાયેલી, એક્સપાયરી થયેલી બેકરી આઇટમ, મુખવાસ, તથા સોસ મળી આવતા કુલ 6 કિ.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. તેમજ ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના શાસ્ત્રી મેદાનની સામે હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ કુલ 15 પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાધ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી. આ ઉપરાંત ફ્રુટ તથા અન્ય વખારોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.