રાજકોટઃ કોરોનાના કપરા કાળમાં ઘણા ઉદ્યોગકારો માનવતા અને સામાજિક દાયિત્વ માનીને કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવી રહ્યા છે. રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મેદાને આવ્યા છે. શહેરનાં આકાશવાણી ચોકમાં આવેલી એસ.એન.કે. સ્કૂલ ખાતે 200 બેડની ઓક્સિજન સાથેની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા માત્ર 3 ટન ઓક્સિજન પૂરું પાડવામાં આવે તો 500 બેડની હોસ્પિટલ શરૂ થઈ શકે તેમ છે. રાજકોટના બિલ્ડરો અને ઉદ્યોગપતિની આ પહેલમાં એક પણ રૂપિયો દર્દી પાસેથી લીધા વગર VIP સારવાર આપવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ બિલ્ડર એસોસિએશન, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને શાપર વેરાવળ ઔદ્યોગિક એસોસિએશન સહિતનાં ઉદ્યોગપતિઓ દ્વારા 500 બેડની આધુનિક સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. જોકે ઓક્સિજન માટે હોસ્પિટલમાં જ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજકોટ બિલ્ડર એસો.નાં પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં બેડ ન મળવાની ફરીયાદો ઉઠી હતી. ત્યારે જિલ્લા વહિવટી તંત્રની મંજૂરી લઇને ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો દ્વારા એચ.સી.જી. હોસ્પિટલનાં સહયોગથી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. હાલ 50 બેડ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે 200 બેડની સુવિધા સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે. જ્યારે સમયાંતરે 500 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. જો વહિવટી તંત્ર દ્વારા 3 ટન ઓક્સિજન ફાળવવામાં આવે તો તમામ 500 બેડની સુવિધા શરૂ થઇ શકે તેમ છે. દર્દીઓને દાખલ કરવા માટે કોવિડ સેન્ટર દ્વારા હેલ્પલાઇન પર 12 ઓપરેટરને બેસાડવામાં આવ્યા છે. જેથી આસાનીથી દર્દીઓ દાખલ થઇ શકે. હાલ હોસ્પિટલ પાસે આઇ.સી.યુ.ની સુવિધા ન હોવાથી ક્રિટીકલ દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે , હાલ આ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતી જ વ્યવસ્થા ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં વેન્ટિલેટર સાથે સુવિધા શરૂ કરવી કે કેમ તે વિચારવામાં આવશે.