રાજકોટ : સૌરાષ્ટ્રમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું બમ્પર ઉત્પાદન થયું હતું અને ત્યારબાદ રવિપાકનું પણ સારૂએવું વાવેતર થયું છે. માર્કેટ યાર્ડ જણસોથી ઊભરાઈ રહ્યું છે. અને ખેડુતોને પણ એકંદરે સારા ભાવ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીમાં તેજીનો માહોલ જોવા મળતા ખેડૂતો માટે દિવાળી જેવા દિવસો આવ્યા હોય તેવુ લાગે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરા પછી મગફળીના ઊંચા ભાવ મળતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે. ગુજરાતમાં જીરુ, મરચા બાદ હવે મગફળી ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીનો ભાવ રૂપિયા 1450ને પાર થયો છે. ભાવમાં વધારો થતાં સિંગતેલ ડબ્બાનો ભાવ 2720એ પહોંચ્યો છે.
માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ અને ગોડલના યાર્ડમાં મગફળીનો ભાવ 1450એ પહોંચ્યો છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 250 રૂપિયા સુધીનો વધારો થયો છે. ખેડૂતોએ મગફળીને વેચ્યા બાદ હવે ભાવમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં ખેડૂતોએ 80 ટકા મગફળીનું વેચાણ કર્યુ છે. ત્યારે આગામી દિવસોમાં મગફળીના ભાવ 1500માં પહોંચે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં જીરામાં તેજી બાદ હવે મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીના ભાવમાં આ આગઝરતી તેજી છે. મોટાભાગના ખેડૂતોએ અત્યાર સુધીમાં મોટા ભાગની મગફળી વેચી દીધી, ત્યારે જ ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતો પાસેથી 80 ટકા મગફળી વેચાઈ ગઈ છે. આવામાં મગફળીના ભાવ હજી આવતા દિવસોમાં 1,500 એ પહોંચે તેવી શક્યતા છે. (file photo)