રાજકોટ: સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ભરેલા વાહનોની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. યાર્ડમાં લાલા સુકા મરચાની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ દ્વારા મરચા ઉતારવા માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં સોમવારે અન્ય જણસીની સાથે સાથે મરચાના પાકની સૌથી વધુ આવક થઈ હતી.
રાજકોટના યાર્ડમાં સોમવારે સૌથી વધારે લાલ સુકા મરચાની આવક થઈ હતી, જેથી યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં લાલ મરચાના ઢગલા જોવા મળ્યા હતા. સોમવારે માર્કેટ યાર્ડમાં 7,000 ક્વિન્ટલ લાલ સુકા મરચાની આવક થઈ હતી. અને લાલ મરચાનો ભાવ પણ ખેડૂતોને સારો એવો મળ્યો હતો. યાર્ડમાં લાલ સુકા મરચાનો ભાવ ખેડૂતોને 1,500થી 3,700 રૂપિયા મળ્યો હતો, જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં મરચા બાદ સૌથી વધારે આવક કપાસની જોવા મળી હતી. કપાસની આવક 5,400 ક્વિન્ટલ થઈ હતી. અને કપાસનો ભાવ ખેડૂતોને 1,180થી 1,460 રૂપિયા સુધીના મળ્યા હતા. કપાસના ભાવ પહેલા ખેડૂતોને 1,500 આસપાસ મળી રહ્યાં હતા, પરંતુ સોમવારે કપાસનો ભાવ ખેડૂતોને 1,460 રૂપિયા જ મળ્યો હતો.
ડુંગળીના ભાવ છેલ્લા ઘણા સમયથી તળીયે બેસી ગયા છે. યાર્ડમાં સોમવારે 3,500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી, પરંતુ ડુંગળીના ભાવ ખેડૂતોને સારા એવા મળી રહ્યાં નથી. ડુંગળીના ભાવ ખેડૂતોને માત્ર 65થી 260 રૂપિયા જ મળ્યા હતા, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં સોમવારે તુવેરની 1,500 ક્વિન્ટલ આવક થઈ હતી. તુવેરના એક મણના ભાવ ખેડૂતોને 1,750થી 2,130 રૂપિયા જેટલા મળ્યા હતા. મગફળીના પાકની 2,100 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં જાડી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ હતી. જીણી મગફળીની 1,300 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણના ભાવની વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ 1,120થી 1,365 રૂપિયા બોલાયા હતા, જ્યારે જીણી મગફળીના ભાવ 1,140થી 1,278 રૂપિયા બોલાયા હતા. ડુંગળીની સાથે સાથે યાર્ડમાં બટાકાની પણ આવક થઈ હતી. યાર્ડમાં બટાકાની 3,600 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાના ભાવ 100થી 280 રૂપિયા બોલાયા હતા, જ્યારે ટમેટાના પાકની વાત કરીએ તો યાર્ડમાં ટમેટાની 1,339 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ભાવ 350થી 620 રૂપિયા બોલાયા હતા.