રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વર્ષે મરચાનું પણ સારૂએવું ઉત્પાદન થયું છે. જેના લીધે રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાની સારી આવક થઈ રહી છે. રાજકોટના માર્કેટ યાર્ડ બહાર સુકા મરચા ભરેલા વાહનોની પાંચ કિલોમીટરની લાંબી લાઈન લાગી હતી. માર્કેટયાર્ડના સત્તાધિશોએ અંદાજે 650 થી વધુ વાહનોને યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી સૂકા મરચાંના ઢગલાં કરાવવામાં આવ્યા હતા. યાર્ડમાં સોમવારે સૂકા મરચાની આવક અંદાજીત 20000 થી 25000 ભારી તેમજ મગફળીની આવક 45000 થી 50000 ગુણી અને કપાસની આવક અંદાજીત 33000 થી 35000 મણ થઈ હતી.
રાજકોટ માર્કેટયાર્ડમાં કૃષિપાકની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા ખેડુતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. સોમવારે હરાજી દરમિયાન કપાસના ભાવ રૂપિયા 1190થી 1490 બોલાયા હતા.જ્યારે જીણી મગફળીના ભાવ રૂપિયા 1120થી 1325 અને જાડી મગફળીના ભાવ રૂપિયા 1115થી 1440થી વધુ ભાવ બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં 15 હજાર ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. જાડી મગફળીની 6 હજાર ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે જીણી મગફળીની આવક 9 હજાર ક્વિન્ટલ થઈ હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાની આવક થઈ રહી છે. યાર્ડમાં 6500 ક્વિન્ટલ મરચાની આવક થઈ હતી. જ્યારે લાલ મરચાના ભાવ 1400થી 3200 રૂપિયા બોલાયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડ બહાર સૂકા મરચાં ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. યાર્ડમાં મરચા ભરેલા 650 વાહન આવ્યાં હતાં. સૂકા મરચાની અંદાજીત 20000 થી 25000 ભારીની આવક થઇ હતી. કૃષિપાકના સારા ભાવ મળતા ખેડુતોમાં ખૂશી જોવા મળી હતી.