રાજકોટઃ શહેરમાં કૂતરાની વધતી જતી વસતીને લીધે કૂતરા કરડવાના બનાવો વધતા જાય છે. જો કે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા મહિને 250થી વધુ કૂતરાના ખસ્સીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે. પણ છેલ્લા એક મહિનામાં કૂતરા કરડવાના 500થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે મ્યુનિ.ની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે.
રાજકોટ શહેરમાં ફેબ્રુઆરી મહિનામાં પણ શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો હતો. શહેરમાં 501 લોકોને કૂતરાઓ કરડ્યા હતા. આ એવા કેસ છે, જે ડોગ બાઈટીંગ બાદ મ્યુનિના આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી લેવા માટે આવ્યા હોય. જે લોકોએ ખાનગી હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લીધી હોય તેવા કેસ અલગ છે. શહેરમાં શેરી-ગલીઓમાં કૂતરાનો ત્રાસ સતત વધી રહ્યો છે. મ્યુનિ.ના
આરોગ્ય શાખાના કહેવા મુજબ છેલ્લા એક મહિનામાં ડોગ બાઈટીંગના 501 કેસ આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે. કૂતરાએ બચકા ભર્યા બાદ આ લોકો આરોગ્ય કેન્દ્ર ખાતે હડકવા વિરોધી રસી મુકાવવા માટે આવ્યા હતા. જોકે સામાન્ય રીતે ખૂબ જૂજ પ્રમાણમાં લોકો મ્યુનિ.ના આરોગ્ય કેન્દ્રમાં હડકવા વિરોધી રસી મુકાવવા માટે આવતા હોય છે. ખાનગી હોસ્પિટલમાં વધુ જતા હોય છે. જે કેસ જાહેર કરવામાં આવ્યા છે તેનાથી ત્રણ ગણા વધુ કેસ ડોગ બાઈટના હોવાની શક્યતા છે.
આરએમસીના વેટરનરી અધિકારીના કહેવા મુજબ મ્યુનિની ટીમો દ્વારા નિયમ મુજબ શ્વાન વ્યંધીકરણ અને હડકવા વિરોધી રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્વાનને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાતા નથી. છતાં મ્યુનિ. દ્વારા વર્ષ 2008થી આ માટે ખાસ ઝૂંબેશ ચાલી રહી છે. જેમાં પ્રતિમાસ 250 જેટલા શ્વાનોનું વ્યંધીકરણ અને 750 જેટલા શ્વાનોને હડકવા વિરોધી રસી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમુક ચોક્કસ વિસ્તારમાં કોઈ ચોક્કસ શ્વાન વારંવાર લોકોને બચકા ભરતા હોવાનું સામે આવે તેવા સંજોગોમાં આવા શ્વાનને પકડી લઈને તેને રસી આપ્યા બાદ થોડા દિવસ માટે ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે રાખવામાં આવે છે. જ્યાં આ શ્વાન સંપૂર્ણ નોર્મલ થયા બાદ તેને ફરીથી જે-તે વિસ્તારમાં છોડવામાં આવતા હોય છે.