Site icon Revoi.in

રાજકોટમાં CM અને ભાજપના પ્રદેશ અધ્યક્ષનો જાજરમાન રોડ શો, કોરોનાની ગાઈડ લાઈન ભૂલાઈ

Social Share

રાજકોટઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર. પાટીલ આજે શુક્રવારે રાજકોટની મુલાકાતે આવતા બન્ને મહાનુભાવોનું બવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના  એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું શહેર-જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ   દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રજા તો ઠીક, ભાજપના જ એક વર્ગમાં આ પ્રકારના અતિરેક સામે ગણગણાટ શરૂ થયો છે. હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો શરૂ થયો હતો.

રાજકોટ શહેરમાં ભાજપના રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધી રહી છે. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. રોડ શો દોઢ કિમી લાંબો હતો, જેમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળ્યો હતો. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા..

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે જ મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાતા કોરોનાનો વિસ્ફોટ તો નહીં થાય ને એવી દહેશત ઊભી થઈ છે.શહેરના એરપોર્ટ પર મુખ્યમંત્રીને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકરોના હજારોની સંખ્યામાં ટોળાં ઊમટ્યાં હતાં અને તમામ નીતિ-નિયમો નેવે મૂક્યાં છે. સોશિયલ ડિસ્ટન્સ તો દૂર, કાર્યકરો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. રોડ શોમાં લોકોએ મુખ્યમંત્રી પર ફૂલની પાંખડીઓનો વરસાદ હતી.  તેમજ ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સુપરસ્પ્રેડર બનવાનું જોખમ છતાં કાર્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એક તરફ, બેન્કકર્મચારીઓનાં ધ૨ણાં ક૨વાની પણ મંજૂરી ન હતી છતાં ભાજપ સામે વહીવટી તંત્ર દંડવત થઈ ગયું હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો..