રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ વખતે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. શહેરના અનેક નાગરિકો હવે ઓનલાઈન ટેક્સ પણ ભરવા લાગ્યા છે. જ્યારે જે લોકો ઓનલાઈન ટેક્સ ભરી શકતા નથી તેમના માટે મ્યુનિ.ની વિવિધ કચેરીઓમાં ઓફલાઈન ટેક્સ ભરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિની ત્રણેય ઝોનની કચેરીઓમાં પણ પ્રોપર્ટી ટેક્સ ભરવા માટે લાઈનો જોવા મળતી હોય છે. ત્યારે નાગરિકોની સુવિધા માટે શનિવાર અને રવિવારના રજાના દિવસોમાં પણ ત્રણેય ઝોનની કચેરીઓ સવારે 10.30થી બપોરે 4 વાગ્યા સુધી કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષના પ્રારંભથી એડવાન્સ મિલકત વેરો ભરનારા પ્રમાણિત કરદાતાઓને 10થી 16 ટકા વળતર આપવામાં આવે છે. આ વળતર યોજના દરમિયાન મ્યુનિ.ની તિજોરીમાં પ્રતિ વર્ષ કરોડો રૂપિયા જમા થાય છે. ત્યારે આ વર્ષે એડવાન્સ ટેક્સ વસૂલવા શનિ-રવિએ પણ મ્યુનિ.ની ત્રણેય ઝોનની કચેરીઓ સવારે 10:30 થી બપોરે 04:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. જેની સત્તાવાર જાહેરાત મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવી હતી.
શહેરના મેયરે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2022-23ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલકત વેરો ભરનારા મિલકત ધારકને 10 ટકા વળતર તથા મહિલા મિલકત ધારકોને વધારાના 5 ટકા વળતર એટલે કે 15 ટકા અને તા.30 જુન સુધી એડવાન્સ મિલકત વેરો ભરનારા મિલકત ધારકને 5 ટકા અને મહિલા મિલકત ધારકને 10 ટકા વળતર આપવાનું હાલ ચાલુ છે. શહેરના નાગરિકો ઓનલાઇન (વેબસાઇટ https://www.rmc.gov.in/ ) તથા RMC ની મોબાઇલ એપ પર વેરો ભરી શકશે. ઉપરાંત મ્યુનિ.ના તમામ સિટી સિવિક સેન્ટરો પર તથા તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસો પર અને CICI બેંકની મુખ્ય શાખા (શારદા બાગ) પર પ્રોપર્ટી ટેક્સ ભરી શકશે.