રાજકોટઃ શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના શરૂ કરી છે. જેને શહેરીજનો તરફથી સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. રિબેટ યોજનાના પ્રથમ દિવસે જ 6 કરોડની આવક થઈ હતી. બીજા દિવસે પણ પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવા માટે લાઈનો લાગી ગઈ હતી. ત્યાં જ અચાનક સર્વરમાં સમસ્યા સર્જાઈ હતી અને ધીમું પડી જતા ઝોન કચેરીઓમાં વેરાની પહોંચ કાઢવામાં વાર લાગી રહી હતી જેથી લાંબી કતારોથી શહેરીજનો કંટાળી ગયા હતા. બપોર સુધીમાં સર્વર પૂર્વવત થઈ ગયું હતું જેથી બીજા દિવસે સાંજ સુધીમાં જ 8350 મિલકતનો 4.50 કરોડનો વેરો મ્યુનિ.ની તિજોરીમાં ઠલવાયો હતો.
રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ જમા કરાવનારા માટે આકર્ષક વળતરની યોજના અમલમાં મુકી છે. આ યોજનાના પ્રથમ દિવસે એટલે કે 12મી એપ્રિલે એડવાન્સ ટેક્સ ભરનારાની લાઈનો લાગી ગઈ હતી, પ્રથમ દિવસે મ્યુનિ.ને 6 કરોડની આવક થઈ હતી. બીજા દિવસે સાંજ સુધીમાં જ 8350 મિલકતનો 4.50 કરોડનો વેરો મ્યુનિ.ની તિજોરીમાં ઠલવાયો હતો. સાંજ સુધીમાં જે 8350 મિલકતનો વેરો ભરાયો હતો તેમાંથી 5398 મિલકતનો વેરો ઓનલાઈન ભરાયો હતો. આ કારણે સવારમાં એકસાથે વધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા સર્વર ધીમું પડ્યાની શક્યતા વ્યક્ત કરાઈ છે જોકે ખરેખર શું બન્યું તે જાણવા માટે આજે રજા દિવસે કમ્પ્યૂટર શાખાનો સ્ટાફે તપાસ કરીને.એરર દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં વેરા વસૂલાતમાં 5 વર્ષ પહેલા ઓનલાઈન કરતા ઓફલાઈન વેરા ભરવાની સંખ્યા અનેકગણી વધારે હતી. હવે યુપીઆઈ આધારિત પેમેન્ટ તેમજ ઓનલાઈન ચૂકવણામાં 1 ટકાની ખાસ છૂટ અને છૂટની મર્યાદા વીતી ગયા બાદ પણ 50 રૂપિયાની રાહત મળે છે. આ ઉપરાંત 24 કલાક ગમે તે સમયે ગમે ત્યારે ઓનલાઈન વેરો ભરી શકાતો હોવાથી કુલ વેરા વસૂલાતમાં ઓનલાઈનનો ફાળો 80 ટકા સુધી પહોંચી ગયો છે.