રાજકોટમાં સવા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પર પાણી ભરાયાં
રાજકોટઃ ગુજરાતમાં ભાદરવામાં અષાઢી માહોલ સર્જાયો છે. શનિવારે 82 તાલુકામાં ત્રણ ઈંચથી ઝાપટાં સુધીનો વરસાદ પડ્યો હતો. જેમાં રાજકોટ, અમરેલીના લીલીયામાં ત્રણ ઈચે, તેમજ રાજકોટના કોટડાસાંગણી, અમરેલીના સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના વિસ્તારોમાં એક ઈંચથી લઈને વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠેકડ પ્રસરી ગઈ હતી.
રાજકોટ શહેરમાં મોડી સાંજે વરસાદે એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી હતા. શહેરમાં સવા બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોઠણસમા પાણી ભરાયા હતા. ભારે વરસાદથી રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પાણી ઘૂસી જતા દર્દીઓ પરેશાન બન્યા હતા. રાજકોટના ઇસ્ટ ઝોનમાં 68 એમએમ, સેન્ટ્રલ ઝોનમાં 70 એમએમ અને વેસ્ટ ઝોનમાં 50 એમએમ વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં શનિવારે સતત ત્રીજા દિવસે પણ ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટ્રી કરી હતી. શનિવારે સવારથી બપોર સુધી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આથી વાતાવરણમાં ઉકળાટ જોવા મળી રહ્યો હતો. પરંતુ બપોર પછી દોઢ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બાદમાં ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાદમાં મોડી સાંજના ફરી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી ઊંચી બિલ્ડીંગો પણ ધ્રુજી ઉઠી હતી.. શહેરના 150 ફૂટ રિંગ રોડ, જંક્શન પ્લોટ, મવડી, યાજ્ઞીક રોડ, રેસકોર્સ, ઢેબર રોડ, કાલાવડ રોડ, જામનગર રોડ, નાણાવટી ચોક, મોરબી રોડ, કુવાડવા રોડ, ત્રિકોણબાગ આજીડેમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના પ્રચંડ કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
આ ઉપરાંત જસદણ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી જસદણ પંથકમાં ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે સાંજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જસદણના ખાંડાધાર, હડમતીયા, બાખલવડ, લીલાપુર, દેવપરા, કમળાપુર સહિતના ગામોમાં ધોધામર વરસાદ વરસ્યો હતો. આટકોટ અને વીરનગર ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. આથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.